રાજકોટ: કોરોનાના કહેર અને મોતના આંકડાથી લોકો ફફડી ગયા છે. ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે (Vasavada village) દરગાહની અંદર જઇ છરી વડે ગળું કાપી આત્મહત્યા (Suicide) કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવ બાદ તાલુકા પોલીસ (Gondal taluka police) દોડી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાસાવડ ગામે આવેલા હઝરત સૈયદ હાનુ દિન દરગાહમાં ગળું કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ પડી હોવાની તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઇ એમ. જે. પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે પ્રથમ વૃદ્ધની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. દરમિયાન માલુમ પડ્યું હતું કે વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ ઉપર રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગીયા છે. પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખી બતાવી છરી પણ પોતે સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.
જેન્તીભાઈના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદમાં ઘરે ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન સવારના કોઈને કહ્યા વગર તેઓ ઘરેથી નીકળી ગયા હતા.
નાના પુત્રએ ફોન કરી તપાસ કરતાં જણાવ્યું હતું કે, હું મોવિયા ગામ પાસે છું. થોડીવારમાં ઘરે આવી જઈશ. ઘણો સમય વીતી ગયો હોવા છતાં તેઓ પરત ફર્યાં ન હતા. આ દરમિયાન પોલીસનો ફોન આવતા પુત્રોને પિતાના આપઘાતની જાણ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે જેન્તીભાઈ વાસાવડ અવારનવાર દરગાહમાં દર્શને આવતા હતા. તેઓ હઝરત સૈયદને પોતાના ગુરૂ માનતા હતા. તેઓએ પોતાના ઘરે ગુરુનો ફોટો પણ રાખ્યો હતો અને પૂજા-અર્ચના પણ કરતા હતા.
રાજકોટ શહેરમાાં બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધો હતો. રાજકોટની મવડી ચોકડી પાસે આવેલા સ્વામિનારાયમ ગુરૂકુળ સંજીવની હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી સુનીલભાઈ ભલસોડએ હૉસ્પિટલમાં ઓક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેઓ કોરોના પોઝિટિવ આવતા ખૂબ જ ગભરાઈ ગયા હતાં અને આખરે આ પગલું ભરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.