રાજકોટમાં મચ્છરના ત્રાસે સર્જ્યું 'મહાભારત', બેડી માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ

રાજકોટમાં મચ્છરના ત્રાસે સર્જ્યું 'મહાભારત', બેડી માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ
બેડી માર્કેટિંગ યાર્ડ.

સોમવારે પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણ મામલે પોલીસે કુવાડવા પોલીસ મથકમાં મજૂરો, વેપારીઓ સહિત 300 લોકો સામે ફરિયાદ નોંધાવી.

  • Share this:
રાજકોટ : બેડી યાર્ડ બહાર સોમવારે ચક્કાજામ અને પથ્થરમારના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કુવાડવા પોલીસ મથકમાં દલાલ એસોસિએશન પ્રમુખ અતુલ કમાણી, યાર્ડના ડિરેકટર વલ્લભભાઈ, અન્ય વેપારીઓ, મજૂરો સહિત 300 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ, રસ્તા બંધ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે. બીજી તરફ વેપારીને માર મારવા અને પથ્થરમારાની ઘટનાને કારણે આજથી અચોક્કસ મુદત સુધી યાર્ડ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આજે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે યાર્ડ ખાતે એસઆરપી સહિત પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજું જિલ્લા કલેક્ટરે યાર્ડમાં મચ્છરોનો ત્રાસ દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છે. મચ્છરોના ત્રાસને વહીવટી તંત્ર ડિઝાસ્ટર ડિકલેરેશન જાહેર કરી શકે છે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી બેડી યાર્ડ ખાતે મચ્છરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શહેરના બેડી યાર્ડની બાજુમાં આવેલી નદીમાં ગાંડીવેલનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. આ ગાંડીવેલમાં મચ્છરનો ભારે ઉપદ્રવ જોવા મળે છે. મચ્છરોના ત્રાસના કારણે રાજકોટના બેડી યાર્ડમાં વેપારીઓ, મજૂરો તેમજ ખેડૂતો ભારે પરેશાન હતા. મચ્છરોના ત્રાસના લઈ અનેક વખત સત્તાધીશોને રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના સંલગ્ન વિભાગોમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજ સુધી મચ્છરોના ત્રાસનું કોઈ નિવારણ આવ્યું નથી.સોમવારે બેડી યાર્ડ ખાતે દલાલ એસોસિયેશન, વેપારીઓ અને સત્તાધીશો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાવાની હતી પરંતુ બેઠક પહેલા જ બેડી યાર્ડમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગામના લોકો, યાર્ડના મજૂરો અને અન્ય લોકો વેપારીઓ દ્વારા રાજકોટ મોરબી હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રસ્તા પર ટાયર સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી.

જે બાદમાં પોલીસ અને લોકો વચ્ચે પથરમારો થયો હતો. જોકે, સ્થિતિ વણસતા ડીસીપી સહિતના અધિકારીઓ તેમજ પોલીસની મસમોટો કાફલો યાર્ડ પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે સમગ્ર યાર્ડની અંદર દરેક જગ્યા પર પોલીસ કાફલો ગોઠવી દીધો હતો. પોલોસ દ્વારા સમગ્ર યાર્ડમાં કોમ્બિગ હાથ ધર્યું હતું અને વિરોધ કરનારા 30 જેટલા લોકોની અટકાયત કરી હતી. સમગ્ર બનાવમાં પોલીસના ત્રણથી ચાર જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ વિરોધ કરી રહેલા બે થી ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
First published:February 18, 2020, 11:42 am