Home /News /kutchh-saurastra /

રાજકોટમાં આર્મી ભરતી મેળો યોજાશે, 33 હજાર યુવાનોએ નોંધણી કરાવી

રાજકોટમાં આર્મી ભરતી મેળો યોજાશે, 33 હજાર યુવાનોએ નોંધણી કરાવી

    રાજકોટ: દેશની સુરક્ષા કરવા માટે ઉત્સાહપૂર્વક થનગનતા યુવાનોને ભારતીય સેનામાં ભરતી કરવા માટે સેના ભરતી કાર્યાલય-જામનગર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભરતી મેળો યોજાઇ રહ્યો છે. આ ભરતી મેળો ૧૧ દિવસ સુધી ચાલશે. આ ભરતી મેળામાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાંથી ૩૩ હજાર યુવાનોએ નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આર્મી ભરતી કાર્યાલય દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

    તૈયારીઓની માહિતી આપતા કર્નલ અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ ભરતી મેળામાં ભાવનગરના ૯૬૦૦, ગિરસોમનાથના ૩૨૦૦, રાજકોટના ૩૨૦૦, જૂનાગઢના ૩૦૦૦, સુરેન્દ્રનગરના ૪૭૦૦, જામનગરના ૨૦૦૦, મોરબીના ૮૦૦, કચ્છના ૧૭૦૦એ યુવાનોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવી હોય એ પૈકી ૩૦ હજાર યુવાનો ઉપસ્થિત રહે એવી ધારણા છે. ભરતી મેળાના વ્યવસ્થાપન માટે આર્મીના ૧૫ અધિકારી, ૨૦ જુનિયર અધિકારીઓ અને ૧૨૦ જેટલા જવાનો જોડાયા છે.

    ભરતીની કાર્યવાહી ૨૬ એપ્રિલના રોજથી શરૂ થઇ જશે. જે ઉમેદવારો આવે, તેમને એક્ટિવિટી એરિયામાં એકત્ર કરવામાં આવશે. અહી ઉમેદવારનું તેમને અરજી કરી હોય તે ટ્રેડ પ્રમાણે માર્શલિંગ કરવામાં આવશે. એટલે કે, ૨૦૦ યુવાનોનું ગ્રુપ બનાવવામાં આવશે. આ ગ્રુપને દોડવાની કસોટી માટે મોકલવામાં આવશે. અહીં ઉમેદવારોએ ૧.૬ કિલોમિટર દોડ નિયત સમયમાં પૂરી કરવાની રહે છે. ૫.૩૦ મિનિટમાં દોડ પૂરી કરનારા યુવાનો અને ૫.૪૫ મિનિટ સુધીમાં દોડ પૂરી કરનારા યુવાનોનું અલગઅલગ ગ્રુપ બનાવવામાં આવે છે.

    દોડવામાં નિષ્ફળ રહેનારા યુવાનોની હથેળીમાં લાલ રંગ કરી પરત મોકલી દેવામાં આવે છે. દોડવાની કસોટી બાદ ઉમેદવારને શારીરિક કસોટી માટે મોકલવામાં આવે છે. જ્યાં, ઉમેદવાર નિષ્ફળ રહેવાનું પ્રમાણ માત્ર ૧૦ ટકા જેટલું જ છે. એ પ્રક્રીયા બાદ તબીબી ચકાસણી કરવામાં આવે છે. જેમાં ૬૦થી ૬૫ ટકા યુવાનો સફળ રહે છે. રાજકોટની આ ભરતી પ્રક્રિયામાં તબીબી ચકાસણી માટે ૧૮ જેટલા તબીબોની ટીમ આવી છે. એક ઉમેદવારને ત્રણ તબીબો ચકાસે છે. જેમાં કશું શંકાસ્પદ લાગે તો ઉમેદવારને આર્મી હોસ્પિટલ જામનગર અથવા અમદાવાદ ખાતે મોકલવામાં આવે છે. ત્યાં સફળ થાય તો લેખિત પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ આપવામાં આવે છે.

    લેખિત પરીક્ષામાં જે તે ટ્રેડ માટે અલગ અલગ પ્રકારના પ્રશ્નપત્રો હોય છે. જેમાં પાસિંગ ધોરણ ૩૫ ટકા છે. લેખિત પરીક્ષા વખતે જગાઓ જાહેર કરવામાં આવે છે અને તે પ્રમાણે, મેરિટના આધારે ભરતી કરવામાં આવે છે. આર્મીની ભરતીમાં પ્રતીક્ષા યાદી રાખવામાં આવતી નથી.

    કર્નલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આર્મીની ભરતી સૂપર્ણ પારદર્શક છે. ભરતી પ્રક્રીયાના વિવિધ તબક્કે કોમ્પુટરાઇઝ્ડ વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં વિવિધ માપદંડો ગોઠવાયેલા હોય છે. તેથી ગેરરીતિને કોઇ અવકાશ રહેતો નથી. આર્મીમાં ભરતી કરાવી દેવાના નામે પૈસા પડાવતા ટાઉટ્સથી ચેતતા રહેવા તેમણે અપીલ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Fair, Register, Youths, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन