સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, લાભ પાંચમથી હરાજી કરાશે શરૂ

News18 Gujarati
Updated: November 11, 2018, 12:16 PM IST
સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડની હડતાળ સમેટાઈ, લાભ પાંચમથી હરાજી કરાશે શરૂ
માર્કેટ યાર્ડ (ફાઈલ ફોટો)

વેપારીઓએ જ્યાં સુધી ભાવાંતર યોજના લાગુ નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી હતી.

  • Share this:
ભાવાંતર યોજનાને લઈ 11 દિવસથી ચાલી રહેલી સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડની હડતાળ સમેટી લેવામાં આવી છે. આવતીકાલે લાભ પાંચમના શુભ મુહૂર્તથી સૌરાષ્ટ્રના તમામ 28 માર્કેટ યાર્ડ ફરી હરાજીથી ધમધમી ઉઠશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન સાથે રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાંદડીયાએ મીટિંગ કરી મધ્યસ્થિ કરતા માર્કેટ યાર્ડના વેપારીઓએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. હડતાળ આજે સમટે લેવામાં આવી છે, પરંતુ આવતીકાલે લાભ પાંચમથી માર્કેટ યાર્ડમાં શુભ મુહૂર્ત બાદ હરાજી શરૂ કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાંદડીયાએ વેપારી એશોસિએશન સાથે મધ્યસ્થિ કરી સરકાર સાથે અગામી 8 દિવસમાં મહત્વની બેઠક યોજી વેપારીઓની માંગ રજૂ કરવાનો વાયદો કરવામાં આવતા 11 દિવસથી ચાલી રહેલી હડતાળ સમેટી લેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ખેડૂતોને ભાવાંતર યોજનાનો લાભ આપવાની માંગણી સાથે સતત 11 દિવસથી સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડોમાં કૃષિ જણસોની લે-વેચ બંધ રહેતા કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબર પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વેપારીઓએ જ્યાં સુધી ભાવાંતર યોજના લાગુ નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવતા વેપારીઓએ લાભ પાંચમ બાદ પણ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ખેડુતોના હિતને ધ્યાનમાં લઇ રાજય સરકારને મગફળીની ખરીદી માટે ત્રણ પ્રપોઝલ આપી હતી. જેમાં ભાવાંતર યોજના, ટેકાના ભાવે અને પ્રાઈવેટ એજન્સી દ્વારા પરંતુ રાજય સરકારે ૧૦૦૧ ટેકાનો ભાવ જાહેર કરી ૧૨૨ સેન્ટરો ઉપરથી લાભ પાંચમથી ખરીદી ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો.

સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે આ યોજના લાગુ કરવા ખેડૂતો અને વેપારીઓ દ્વારા સરકારમાં અનેક રજૂઆત કરવામાં આવી છતાં કોઇ પ્રતિભાવ ન મળતા આ યોજના લાગુ કરવામાં આવે તો ભ્રષ્ટાચારની જગ્યા રહેતી નથી અને ડિફરન્સના નાણા ખેડૂતોના ખાતામાં જમા કરાવી દે તો સરકારને પણ ફાયદો થશે. સરકાર ટેકાના ૧૦૦૧ ના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ મજુરી, કમિશન, ટ્રાન્સપોર્ટ, ગોડાઉન ભાડુ, બારદાન અને બીજા ખર્ચા ઉમેરે તો ૧૪૦૦ આસપાસની પડતર થાય જયારે ભાવાંતર યોજના દાખલ કરી હોત તો હાલના સરેરાશ ૮૦૦ના ભાવ સામે સરકારને રૂ.૨૦૦ આસપાસ ખેડૂતોના ખાતામાં જમા કરાવા પડત અને મગફળીનું ઉત્પાદન લેતા બધા ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળત.
First published: November 11, 2018, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading