રાજકોટઃ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ આજથી ગુજરાતના પ્રવાસે છે. અખિલેશ ગુજરાતના વિવિધ શહેરની મુલાકાત લઈને 4થી 7 ડિસેમ્બર સુધી ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે, આ માટે અખિલેશ ચૂંટણી પ્રચાર કરશે. નોંધનીય છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 16માંથી એક પણ કોર્પોરેશન સમાજવાદી પાર્ટી જીતી શકી ન હતી.
યુપી ચૂંટણીમાં 'ગધેડા'વાળું નિવેદન પડ્યું હતું ભારે
ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે તત્કાલિન મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાયબરેલીની એક સભામાં નિવેદન કર્યું હતું કે, 'હુ સદીઓના મહાનાયકને અપીલ કરું છું કે, તેમણે ગુજરાતના ગધેડાઓનો પ્રચાર ન કરવો જોઈએ.' આ નિવેદન પછી ભાજપને મુદ્દો મળી ગયો હતો અને અખિલેશને ગધેડાના નિવેદન પર સડસડતો જવાબ આપ્યો હતો. મોદીએ અખિલેશના નિવેદન પર પલટવાર કરતા કહ્યું હતું કે, 'ગધેડો માલિકને વફાદાર હોય છે. તે બીમાર, ભૂખ્યો કે થાકેલો હોય તો પણ પોતાના માલિકે આપેલું કામ જરૂર પૂરું કરે છે. હું સવા સો કરોડ દેશવાસીઓનો ગધેડો છું. દેશવાસીઓ મારા માલિક છે. હું ગધેડામાંથી પ્રેરણા લઉ છું.' નોંધનીય છે કે અમિતાભ બચ્ચને ગુજરાત ટૂરિઝમ માટે ઘૂડખરની જાહેરાત કરી હતી. જેમાં તેઓ તેને જોવા માટે ગુજરાત પધારવા અપીલ કરતા નજરે પડે છે. અખિલેશની આ ટિપ્પણી પછી ભાજપે તેમને આ મુદ્દે ઘેર્યા હતા અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ મુદ્દો છવાયેલો રહ્યો હતો.