મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈસુદાન ગઢવી સહિતનાં દિગ્ગજો ખાસ રાજકોટ આવી પહોંચ્યા હતા. આ તકે ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત છે, કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે નરેશ પટેલ જેવા સ્વચ્છ છબી ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ.
ઈસુદાન ગઢવીનાં કહેવા મુજબ, હાલ ભાજપમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ત્યારે આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે. અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે તેવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 'આપ' જંપલાવશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે.
આજે 150થી વધુ લોકોનાં 'આપ'માં જોડાવા મામલે તેમણે કહ્યું હતું કે, યે તો ટ્રેલર હે પિક્ચર અભી બાકી હે' આગામી દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. રાજકોટમાં આજે વિજય તિરંગા યાત્રા કાઢીને આમ આદમી પણ હેલિકોપ્ટર વાળાને હરાવી શકે તે સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમે લોકોને સ્પર્શતા મુદ્દા શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી સહિતનાં મુદ્દાઓ સાથે લોકો પાસે જઈને મત માંગીશુ. તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ( નરેશ પટેલ ), Ishudan Gadhvi, Rajkot city, Rally, રાજકોટ