રાજકોટ: વેપારી બન્યો હનીટ્રેપનો ભોગ, પતિ-પત્ની - 2 GRD જવાન સહિત પાંચ સકંજામાં, જાણો કેવી રીતે વેપારીને ફસાવ્યો?

રાજકોટ: વેપારી બન્યો હનીટ્રેપનો ભોગ, પતિ-પત્ની - 2 GRD જવાન સહિત પાંચ સકંજામાં, જાણો કેવી રીતે વેપારીને ફસાવ્યો?
પ્રતિકાત્મક તસવીર

મોરબીના ફરસાણના વેપારી પોતાની સ્ત્રી મિત્રને મળવા માટે રાજકોટ આવ્યા હતા. જ્યારે તેઓ પોતાની સ્ત્રી મિત્રને મળવા તેના ઘરમાં પ્રવેશ કર્યો તે જ સમયે ઓચિંતો પતિ આવી ગયો

  • Share this:
રાજકોટ શહેર પોલીસના ચોપડે વધુ એક હની ટ્રેપનો કિસ્સો નોંધાવા પામ્યો છે, જેમાં રાજકોટ શહેર પોલીસે શહેરના નાણાવટી ચોક પાસે આવેલા રામેશ્વર પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતી અલ્પા આશિષ મારડીયા તેમજ તેના પતિ આશિષ મારડીયાની ધરપકડ કરવામાં આવી છે, સાથે આ બંને પતિ-પત્નીને તેમજ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે ગ્રામ રક્ષક દળના જવાન શુભમ અને રિતેશને પણ સકંજામાં લીધા છે. તો સાથે જ કેશોદના અણીયારા ગામના જય સુરેશ પરમારને પણ સકંજામાં લઈ પૂછ પરછ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ગુનાની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ગત પાંચ ઓક્ટોબરના રોજ મોરબીના ફરસાણના વેપારી પોતાની સ્ત્રી મિત્રને મળવા માટે રાજકોટ આવ્યા હતા. જ્યારે તેઓ પોતાની સ્ત્રી મિત્રને મળવા તેના ઘરમાં પ્રવેશ કર્યો તે જ સમયે ઓચિંતા એક વ્યક્તિએ પણ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પોતાની ઓળખ તે સ્ત્રીના પતિ તરીકે આપી હતી, ત્યારબાદ તે સ્ત્રીના પતિ તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ સ્ત્રી મિત્રને મળવા આવનાર મોરબીના ફરસાણના વેપારી સાથે રકઝક કરી હતી તો સાથે જ સમગ્ર મામલાની જાણ પોલીસને કરશે તેવી ધમકી પણ આપી હતી.જોકે ત્યારબાદ સ્ત્રી મિત્રના પતિ તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ પોતાના ફોન દ્વારા ફોન કરીને અજાણ્યા બે વ્યક્તિઓને બોલાવ્યા હતા. ત્યારબાદ બે ખાખી ધારી વ્યક્તિઓ તે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ મોરબીના વેપારી પાસેથી પ્રથમ પાંચ લાખ માંગ્યા હતા, જે બાદ બે લાખ રૂપિયા રકઝકના અંતે નક્કી થયા હતા, ત્યારબાદ વેપારી પાસે રહેલા 22 હજાર પાંચસો રૂપિયા રોકડા ખંખેરી લઈ બાકીની રકમ માટે મુદત પાડવામાં આવી હતી.

સ્ત્રી મિત્ર સહિત અન્ય શખ્સોના ચુંગલમાંથી છૂટયા બાદ મોરબીના ફરસાણના વેપારી સિદ્ધાર્થ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પહોંચીને તેમને પોતાની આપવીતી જણાવી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને જાણીને યુનિવર્સિટી પોલીસ મથકના થાણા અમલદાર એ એસ ચાવડા અને તેમની ટીમ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત અત્યાર સુધીમાં તમામ આરોપીઓ પોલીસ સકંજામાં હોવાનું જાણવા મળ્યું છે, તેમજ આવતીકાલે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે.
Published by:kiran mehta
First published:October 08, 2020, 19:34 pm