મુનાફ બકાલી, રાજકોટ : શહેર અને જિલ્લામાં આપઘાત અને આપઘાતના પ્રયાસ ના બે બનાવો સામે આવ્યા છે. એક બનાવમાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે કે બીજા બનાવમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન માતા એ ઘરની બહાર નીકળવાની ના પાડતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે ઘટનામાં 13 વર્ષીય સગીરને તેના માતા-પિતા દ્વારા મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા સગીરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો ધોરાજી ના સ્વાતિ ચોક વિસ્તારમાં 13 વર્ષીય યોગી નામના સગીરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાના સમાચાર ધોરાજી સિટી પોલીસને મળ્યા હતા ઘટનાની જાણ થતાં જ ધોરાજી સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ત્યારે ઘટનાસ્થળ પર પહોંચી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી સગીરની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે મોકલવામાં આવી છે. તો સાથો સાથ સમગ્ર બનાવ અંગે મૃતક સગીરના પરિવારજનો ના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પરિવારના વ્હાલ સોયા દીકરાને ગુમાવવાથી મૃતકના પરિવારજનો માં પણ ગમગીની છવાઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ઓફલાઈન શિક્ષણ ની જગ્યાએ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ટેબ્લેટ મારફતે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે પણ વિદ્યાર્થીઓને મોબાઇલની તે વધુ માત્રામાં પડી છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં એવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે જેમાં નાના બાળકોથી લઇ મોટેરા સુધી લોકો મોબાઈલમાં ગેમ રમવાના આદી બની ચૂક્યા હોય અને જેના કારણે આત્મહત્યા પણ કરી હોવાના બનાવો સામે આવ્યા છે.
કોરોના સંક્રમણ વધી જવાના કારણે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત આમ ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હાલ રાત્રી કર્યું રાત્રીના ૯ વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધી શરૂ હોય છે. ત્યારે રાજકોટ શહેરના પરસાણા નગર માં માતા એ પુત્રને બહાર જવાની ના પાડતાં પુત્રે ગળાફાંસો ખાધો હોવાનો બનાવ સામે આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના પરસાણા નગરમાં રહેતા જતીન ચેતનભાઇ બારીયા નામના સગીરને રાત્રી કર્ફ્યુ અંતર્ગત માતાએ બહાર જવાની ના પાડતા તેણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદ્નસીબે ગળા ફાંસો ખાવાનો પ્રયાસ કરતા જોઇ માતાએ તેને નીચે ઉતારી સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ત્યારે હોસ્પિટલ મારફતે પ્રદ્યુમન નગર પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે માતા તેમજ તેના પુત્ર નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. ત્યારે હાલ સારવાર દરમિયાન આપઘાતનો પ્રયાસ કરનાર પુત્રની તબિયત સારી હોવાનું પણ સામે આવ્યું છે