રાજકોટ : શહેરમાં દિવસે અને દિવસે સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં સરકારી શાળામાં નોકરી કરતી શિક્ષિકાએ દારૂ પીને માર મારતાં પતિ તેમજ નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતી પરણિત શિક્ષિકા એ પોતાના પતિ તેમજ નણંદ વિરૂદ્ધ આઈપીસીની કલમ 498, 323 504 114 તેમજ દહેજ ધારાની કલમ 3-4 મુજબ ફરિયાદ દાખલ કરાવી છે. શિક્ષિકા પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે 1લી ફેબ્રુઆરી 2014ના રોજ મારા લગ્ન વિશ્વાસ (નામ બદલેલ છે) સાથે થયા હતા. અમારો ઘરસંસાર ચાર વર્ષ સુધી સારી રીતે ચાલ્યો હતો. બાદમાં મારા પતિને દારૂ પીવાની કુટેવ પડી ગઇ હતી જેના કારણે તેઓ અવારનવાર દારૂ પીને ઘરે આવતા હતા તેમજ મારી સાથે મારકૂટ પણ કરતા હતા. તારા પપ્પાની જમીનમાંથી ભાગ લઇ આવ એવું કહેતા હતા.
તો બીજી તરફ મારા નણંદ રાખી ( નામ બદલાવેલ છે ) સામાજિક પ્રસંગો તેમ જ અન્ય કામો સર અમારા ઘરે આવતી હતી ત્યારે મારા પતિને તે ચઢાવતી હતી. તો સાથે જ મને છૂટાછેડા આપવા માટે ચડામણી પણ કરતી હતી. તો સાથે જ મારા પતિને કહેતી હતી કે, તારી પત્ની તો પૈસાની લાલચુ છે તારા સાસરિયાઓએ ગામને બતાવવા માટે ધામધૂમથી લગ્ન કર્યા છે, તારી પત્ની તારુ મકાન પડાવી લેશે, હું તને બીજી પત્ની ગોતી દઈશ.
ફરિયાદ કર્યાના ચાર મહિના અગાઉ મારા પતિએ મને માર માર્યો હતો ત્યારે મારા ભાઈએ મારો જીવ બચાવવા માટે 181માં ફોન કર્યો હતો તે સમયે પોલીસે મારા પતિ વિરુદ્ધ અટકાયતી પગલા પણ લીધા હતા.