રાજકોટમાં ચાલુ વર્ષે હેલ્મેટ ન પહેરવાથી 69 વાહન ચાલકોનાં મોત

રાજકોટમાં ચાલુ વર્ષે હેલ્મેટ ન પહેરવાથી 69 વાહન ચાલકોનાં મોત
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ.

આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તમામ મૃતકોના પરિવારજનોને એક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટ : રાજકોટ શહેર પોલીસ દ્વારા સોમવારે માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાલુ વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા 140 જેટલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ચાલુ વર્ષે અકસ્માતમાં મૃત્યુ પામેલા 140 પૈકી 69 વ્યક્તિઓએ હેલ્મેટ ન પહેર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

  આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા તમામ મૃતકોના પરિવારજનોને એક શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. પરિવારજનોને શપથ લેવડાવ્યા હતા કે, આગામી દિવસોમાં તેઓ જ્યારે પણ વાહન ચલાવે છે ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરશે. બીજી તરફ મૃતકોના પરિવારજનોએ પણ કબૂલ્યું હતું કે, વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી છે.

  રાજકોટ પોલીસ દ્વારા યોજવામાં આવેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એક વૃદ્ધ મા-બાપ પણ આવ્યા હતા, જેમણે બે મહિના પહેલા પોતાનો 35 વર્ષીય દીકરો અકસ્માતમાં ગુમાવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જીવાભાઇએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા તેમનો પુત્ર લાખો હેલ્મેટ પહેર્યાં વગર ટુ વ્હીલર ચલાવતો હતો. આ સમયે ગાય રસ્તા પર આડી ઉતરતા તેમના દીકરાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા ચાલકો પાસેથી 7 કરોડ 20 લાખ જેટલો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. ત્યારે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફટકારવામાં આવતા તોતિંગ દંડને કારણે રાજકોટવાસીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર પોલીસે આ કાર્યક્રમથી વાહનચાલકોને એક સંદેશો આપ્યો હતો કે, વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું અનિવાર્ય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 18, 2019, 13:15 pm