Home /News /kutchh-saurastra /રાજકોટનાં 2 વિદ્યાર્થી દીવનાં દરિયામાં ડૂબવાનાં મામલે 3 શિક્ષક સસ્પેન્ડ

રાજકોટનાં 2 વિદ્યાર્થી દીવનાં દરિયામાં ડૂબવાનાં મામલે 3 શિક્ષક સસ્પેન્ડ

ડૂબેલા બે વિદ્યાર્થીની ફાઇલ તસવીર

28 ડિસેમ્બરના રોજ સાંજે શિક્ષકોની હાજરીમાં બાળકો દીવના દરિયામાં નહાવા ગયા હતા. જેમાંથી બે બાળકો દરિયામાં ડૂબી ગયા હતાં.

    હરીન માત્રાવાડિયા, રાજકોટ

    રાજકોટની જવાહર શિશુવિહાર માધ્યમિક શાળાનો પ્રવાસ સોમનાથ-દીવ પહોંચ્યો હતો. 28 ડિસેમ્બરના રોજ સાંજે શિક્ષકોની હાજરીમાં બાળકો દીવના દરિયામાં નહાવા ગયા હતા. જેમાંથી બે બાળકો દરિયામાં ડૂબી ગયા હતાં. ઘટનાના ત્રીજા દિવસે અજય નથુભાઇ કોરડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને દીવની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે. જ્યારે બીજાનો પણ મૃતદેહ આટલા દિવસ બાદ મળી આવ્યો છે. આ કરૂણ ઘટનામાં આચાર્ય સહિત 3 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પ્રવાસમાં બેદરકારી દાખવવાને કારણે ટ્ર્સ્ટીઓએ કાર્યવાહી કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીઓએ શાળાને શો કોઝ નોટિસ પણ ફટકારી હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    વાલીઓનો શાળામાં  હોબાળો

    નોંધનીય છે કે ગઇકાલે રાજકોટમાં વાલીઓ જવાહર શિશુ વિહાર ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં કલાકો સુધી આક્રંદ અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. અજય અને પ્રિતના સગા-વહાલાઓએ ગમે ત્યાંથી અમારા સંતાનોને હાજર કરો-નો આર્તનાદ કરતા વાતાવરણ દુખી થઇ ગયું હતું. રેલનગરમાં આવેલી જવાહર શિશુ વિહાર શાળાના બે વિદ્યાર્થી અજય કિશોરભાઈ રાઠોડ અને પ્રિત નટુભાઈ કોરડીયા નાગવા બીચ ખાતે દરિયામાં નહાવા પડયા હતા અને ડૂબી ગયા હતા.

    બાકીનાં વિદ્યાર્થીઓને પરત મોકલાયા

    બાળકો ડૂબી જતા પોલીસે શિક્ષકો, પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓનાં નિવેદન લેવાના શરૂ કર્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ જો બીજા વાલીઓને થશે અને બાળકો આજને આજે નહીં પહોંચે તો હોબાળો થશે તેવો ભય દર્શાવવામાં આવ્યો હતો. આ માટે પોલીસે નિવેદન પૂરું કરતા ઘટનાની રાતે જ બાળકો અને પ્રિન્સિપાલ રાજકોટ પરત આવવા રવાના કર્યા હતા.

    શાળાને ડીઈઓએ નોટિસ ફટકારી પુછ્યો ખુલાસો

    કોઈપણ સ્કૂલે વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજવો હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી લેવી પડે છે. જવાહર શિશુ વિહાર દ્વારા આવી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. આથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમને નોટિસ ફટકારી છે. બે દિવસમાં તેમને ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મંજૂરી લીધી હોય તો તેનો પુરાવો, પ્રવાસ માટે શું-તૈયારી કરી હતી તેની વિગતો રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Diu, Picnic, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन