Home /News /kutchh-saurastra /

Rajkot Latest News: રાજકોટમાં બિસ્કિટ બાબતે બે ભાઈ વચ્ચે ઝઘડો, 14 વર્ષના સગીરે ગળેફાંસો ખાઈ લીધો!

Rajkot Latest News: રાજકોટમાં બિસ્કિટ બાબતે બે ભાઈ વચ્ચે ઝઘડો, 14 વર્ષના સગીરે ગળેફાંસો ખાઈ લીધો!

સગીરનો આપઘાત

Rajkot Crime News: પિતા દુકાનેથી તમામ સંતાનો માટે ભાગ લાવ્યા હતા. જેમાં બિસ્કિટ બાબતે 14 વર્ષીય રાહુલ અને તેનાથી નાના 10 વર્ષીય ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ લાગી આવતા રાહુલે આપઘાત કરી લીધો.

રાજકોટ: રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન (Kuvadava Police Station) વિસ્તારમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટ મોરબી હાઇવે પર આવેલા ગૌરીદડ નજીક હડાળા ગામે 14 વર્ષીય સગીરે પોતાના ઘરની પાછળ આવેલા લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને મૃતકના પરિવારજનોને સોંપવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયાની અંતિમવિધિ પૂર્ણ કરી હતી.

બિસ્કિટ બાબતે ઝઘડો

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ રાજકોટ ખાતે પોતાના પરિવારજનો સાથે વસવાટ કરનાર શંકરભાઈ મોહનીયાને છ સંતાનો છે. છ સંતાનોમાં પાંચ દીકરા અને એક દીકરી છે. ગઈકાલે શંકરભાઈ મોહનીયા વાડીએથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ પોતાના સંતાનો માટે દુકાનેથી ભાગ લાવ્યા હતા. ઘરે પરત ફરીને પિતાએ પોતાના તમામ સંતાનો માટે લાવેલા ભાગની વહેંચણી કરી હતી. ત્યારે બિસ્કીટ બાબતે 14 વર્ષીય રાહુલ અને તેનાથી નાના 10 વર્ષીય ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતનું રાહુલને લાગી આવતા ઘરની પાછળ રહેલા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી તેણે આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો: મંજૂરી વિના પોતાની જગ્યામાં પ્રવેશ કરતા યુવક પર વકીલનું ફાયરિંગ

રાહુલ ઘરે પરત ન ફરતા શોધખોળ આદરી

જમવાનો સમય થવા છતાં રાહુલ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ રાહુલની શોધખોળ શરૂ કરી હતી. અંતમાં અંદાજિત રાત્રે 10 વાગ્યાના અરસામાં પરિવારજનોની નજર પોતાના ઘરના પાછળ રહેલા લીમડા પર પડી હતી. પરિવારજનોએ જોયું તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાનો સૌથી મોટો પુત્રએ લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી આપઘાત કરી લીધો હતો. તાત્કાલિક અસરથી પરિવારજનો દ્વારા પુત્રને નીચે ઉતારવામાં આવ્યો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.



મોટા પુત્રના આપઘાતથી પરિવાર ગમગીન

14 વર્ષીય મોટા પુત્ર રાહુલનું મૃત્યુ નિપજતા મોહનીયા પરિવારમાં હાલ ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાહુલના પિતા શંકરભાઈ રાજકોટ ખાતે વાડીમાં ભાગીયા તરીકે કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાની માહિતી આપી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: આત્મહત્યા, ગુનો, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર