Home /News /kutchh-saurastra /ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર, પોરબંદરના જાણીતા ક્લાસીસનાં સંચાલકનો પરિવાર તણાયો

ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર, પોરબંદરના જાણીતા ક્લાસીસનાં સંચાલકનો પરિવાર તણાયો

પોરબંદમાં કાર તણાઇ

કારમાં સવાર માતા, પિતા અને પુત્ર ક્યાં છે તેની પણ હજી ભાળ મળી નથી.

પ્રતિશ શીલુ, પોરબંદર : પોરબંદરનાં સોઢાણા ગામ પાસે ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ છે. જેમાં પોરબંદરનાં શિવમ કલાસીસનાં સંચાલક વિરેન મજીઠીયાનો પરિવાર જઇ રહ્યો હતો. કારમાં સવાર પરિવારનાં માતા, પિતા અને પુત્ર ક્યાં છે તેની પણ હજી ભાળ મળી નથી. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે હાલ આ લોકોને શોધવાની કામગીરી હાથ ધરી છે.

વર્તૃ -2 ડેમનાં 17 દરવાજા ખોલાવાને કારણે આ દૂર્ઘટના બનવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે પોરબંદરનાં શિવમ ક્લાસીસનાં સંચાલક વિરેન મજીઠીયાનો પરિવાર આ કારમાં સવાર હતો. તેઓ જામનગરથી પોરબંદર જઇ રહ્યાં હતા. ગામ લોકોએ તેમને અહીંથી ન જવા પણ સલાહ આપી હતી પરંતુ તેઓને થયું કે ધીરેથી અમે નીકળી જઇશું. આ કાર ગઇકાલે રાતે તણાઇ ગઇ હતી. જેમાં આજે સવારે આ કાર કાંઠે આવી છે પરંતુ અંદર બેઠેલા લોકોની કોઇ ભાળ મળી નથી રહી. તેમના પરિવારનાં લોકો પણ અહીં આવી ગયા છે.

ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ


આ પણ વાંચો : NDRFએ કુતિયાણાથી પસવારી જવાના રસ્તે વાડીમાં ફસાયેલા 9નું રેસ્ક્યૂ કર્યુ

ગઇકાલે રાજકોટમાં કાર તણાતા બે મહિલાનાં મોત નીપજ્યાં હતા

નોંધનીય છે કે ગઇકાલે ભારે વરસાદને કારણે રાજકોટનાં જામકંડોરણા વિસ્તારમાં રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. આ કારમાં સવાર બે મહિલાનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ભુપતભાઇ મારકણા નામના વ્યક્તિનો સ્થાનિકોએ જીવ બચાવી લીધો છે. ભુપતભાઇને 108માં જામકંડોરણા સારવાર માટે ખસેડાયા છે. વંથલીનો પાટીદાર પરિવાર હોવાનું જાણવા મળ્યું છે. જશાપર ગામે લગ્નપ્રસંગમાં પરિવાર જતો હતો.

હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.


આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં જળબંબાકાર : ભાણવડમાં આભ ફાટ્યું, 13 ઇંચ વરસાદ પડ્યો

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ

ગત રાતથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા 2 ઇંચ નોંધાયો છે. વીજળીના ભયાનક કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રાણાવાવમાં 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાના યાત્રાધામ હર્ષદમાં ભારે વરસાદથી હર્ષદ માતાજીના મંદિરમાં 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે. હાલ પાણી ઓસરી રહ્યા હોવાથી 2થી 3 ફૂટ પાણી ભરાયેલા છે. જામનગર જિલ્લાને બાનમાં લીધો હોય તેમ છેલ્લા 24 કલાકમાં 4થી 14 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો