પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. આવતીકાલે બપોરે એક વાગ્યે જામકંડોરણા ખાતે તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયાના પાર્થિવદેહને દર્શન માટે આજે જામકંડોરણા ખાતે આવેલા કન્યા છાત્રાયલ ખાતે દર્શન માટે મૂકવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયાનો જન્મ આઠમી નવેમ્બર, 1958ના રોજ જામકંડોરણા ખાતે થયો હતો.
વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2009થી 2013 સુધી કોંગ્રેસની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે, 2013ના વર્ષમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંયા હતા. જે બાદમાં 2014માં આવેલી ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પરથી ફરીથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.
રાજકીય કારકિર્દી
વિઠ્ઠલ રાદડિયા છ વખત ધારાસભ્ય તેમજ બે વખત સાંસદ રહી ચુક્યા છે. 1994માં તેમણે પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડી હતી. છેલ્લે 2014થી 2019 સુધી તેઓ ભાજપની બેઠક પરથી પોરબંદરના સાંસદ હતા.
રાજકારણમાં આવ્યા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેમના વતનમાં જામકંડોરણમાં તેઓ પોતાના ટ્રસ્ટના નામે અનેક સ્કૂલો ચલાવે છે.
વિઠ્ઠલ રાદડિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે કરી હતી. જે બાદમાં તેઓ શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જે બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. વર્ષ 2013માં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયા IIFCOના ડિરેક્ટર તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પણ રહી ચુક્યા છે.
જયશ્રીકૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડુતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.૨૯/૭/૧૯ ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે.અંતિમ દર્શન : તા.૩૦/૭/૧૯ મંગળવાર સવારના ૭થીબપોરના ૧૨ કન્યા છાત્રાલય-જામકંડોરણા,સ્મશાન યાત્રા : તા.૩૦/૭/૧૯ મંગળવાર બપોરે ૧ કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા. pic.twitter.com/cX1hNqu3Ba
વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ટ્વિટ કરીને પિતાના નિધનની માહિતી આપી હતી. જયેશ રાદડિયાએ એક પછી એક બે ટ્વિટ કરીને લખ્યું હતું કે, "જયશ્રી કૃષ્ણ, આપણા સૌના વડીલ ખેડૂતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાનુ આજરોજ તા.29/07/19ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે, ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના." અન્ય એક ટ્વિટમાં જયેશ રાદડિયાએ લખ્યું કે, "જયશ્રી કૃષ્ણ,આપણા સૌના વડીલ ખેડૂતનેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ તા.29/07/19 ને સોમવારના દિવસે દુ:ખદ અવસાન થયેલ છે. અંતિમ દર્શન : તા.30/07/19 મંગળવાર સવારના 7થી બપોરના 12 કન્યા છાત્રાલય-જામકંડોરણા, સ્મશાન યાત્રા : તા.30/07/19 મંગળવાર બપોરે 1 કલાકે નિવાસસ્થાનેથી પટેલ ચોક,જામકંડોરણા."