અતુલ જોશી, મોરબી: દારૂ-જુગારની લતે અનેક પરિવાર બરબાદ કરી દીધા હોવા છતા રાજ્યમાં આ બદી દુર નથી થઈ રહી. રોજે-રોજ રાજ્યમાં જુગારધામ ઝડપાતું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આજે મોરબીના વાંકાનેરથી જુગારધામ ઝડપાયું છે. જેમાં પોલીસે 12 લોકોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા લોકોમાં જુગાર રમાડનાર અને જુગાર રમનાર શકુનીઓનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના વાંકાનેર શહેરમાં પોલીસે ઘોડી-પાસાના જુગારધામ પર રેડ પાડી 12 લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે શહેરના ભરવાડપરામાં ધમધમી રહેલા જુગારધામ પર રેડ પાડી 12 શકુનીઓ સહિત કુલ 1,41,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, વાંકાનેર શહેર પોલીસને બાતમી મળી હતી કે, શહેરના ભરવાડપરામાં એક રહેણાંક મકાનમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા ધમધોકાર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે. આ લોકો નાળ ખેંચી જુગારધામનો અડ્ડો ચલાવી કમાણી કરી રહ્યા છે. આ મામલે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા, નાસ-ભાગ મચી ગઈ હતી. પરંતુ, પોલીસ પણ તૈયારી સાથે ગઈ હતી, જેને પગલે 12 શકુનીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ભરવાડપરા વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડી ૯૨,૮૦૦ રૂપિયા રોકડા અને ૧૧ મોબાઈલ કિંમત રૂપિયા ૪૯,૦૦૦/- મળી કુલ ૧,૪૧,૮૦૦/- ના મુદામાલ સાથે 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ જુગારધામ મનોજ ઉર્ફે નદી ટમારીયા ,લાલો દિનેશભાઈ લામકા અને સામજી ઉર્ફે ભીખો ફિસરિયા સહિતના ત્રણ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું, દરેક તીન પત્તીના દાવ હેઠળ નાળ ખેંચી કમાણી કરી રહ્યા હતા. પોલીસે તમામની અચકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા જ વાપી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતની દમણની હદ પર આવેલા કુંતા ગામમાં એક ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે બાતમીને આધારે સ્થળ પરથી રેડ કરતાં 10 જુગારીઓ તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આથી પોલીસે તમામની ધરપકડ કરી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર