મોરબી: પૂર્વ ધારાસભ્ય અને સમાજ સેવક ગોકળદાસ પરમાર કોરોના સામે જંગ હાર્યા

ફાઇલ તસવીર.

ગોકળદાસ પરમાર જુદી જુદી અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, અંતિમ દિવસો સુધી તેણે લોકોની અને સમાજની મદદ ચાલુ રાખી હતી. મોરબીમાં 1979ની પૂર હોનારત વખતે તેઓએ જાહેર અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું.

 • Share this:
  અતુલ જોશી, મોરબી: મોરબી-માળીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર (Gokaldas Parmar) આજે કોરોના (Coronavirus) સામે જંગ હારી ગયા છે. તેઓને મોરબીના ગાંધી (Gandhi of Morbi) ગણવામાં આવતા હતા. ગોકળદાસનું દુઃખદ અવસાન થતા મોરબીવાસીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. ગોકળદાસ પરમાર આજે પણ લોકોમાં એ જ છબી અને લાગણી ધરાવતા હતા. તારીખ 06-01-1922ના રોજ મોરબીમાં જન્મેલા ગોકળદાસ ડોસાભાઇ પરમાર એટલે કે ગોકળબાપાનું શતકના વર્ષમાં આજે (તા. ૨૮-૪-૨૦૨૧) અવસાન થતાં મોરબીવાસીઓમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.

  ગોકળબાપાને દેશ પ્રેમ ક્યારે જાગ્યો? 

  ગોકળદાસ એટલે કે ગોકળબાપાએ પૂજ્ય ગાંધીજીના વિચારોને અમલમાં મૂક્યા હતા. તેઓ મુંબઈની વિલ્સન કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે 1942માં ગાંધીજીએ ક્વીટ ઇન્ડિયા-ભારત છોડો આંદોલનની જાહેરાત કરી હતી. આ સમયે તેઓએ અભ્યાસ છોડીને મોરબી વિસ્તારમાં સમાજસેવાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. ગોકળબાપા સતવારા જ્ઞાતિના મોભી અને ગુજરાતના જાહેર જીવનના આદર્શ માનવામાં આવતા હતાં.  ગોકળદાસ પરમાર ત્રણ-ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓને અનેક એવોર્ડથી સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા. ગોકળદાસ પરમાર પોતાની આગવી સૂઝબૂઝ અને લોકો પ્રત્યેની આ લાગણી માટે મોરબી માળીયા વિસ્તારના ત્રણ ત્રણ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એટલું જ નહીં, પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર સતવારા જ્ઞાતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી હતી.

  આ પણ વાંચો: દુલ્હનનું સપનું પૂર્ણ કરવા દુલ્હો હેલિકોપ્ટર લઈને પહોંચ્યો, સાત લાખ રૂપિયા ખર્ચીને દુલ્હનને ઘરે લાવ્યો

  આ ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેન્કના ડિરેકટર તરીકે, ગુજરાત રાજ્ય માર્કેટિંગ સોસાયટીના ડિરેક્ટર તરીકે, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે, રાજકોટ જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, સર્વોદય એજયુકેશન સોસાયટીના પાયાના સભ્ય તરીકે, વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે, મોરબી ખાદી ભંડારના પ્રમુખ તરીકે, અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી હતી.  વિધાનસભામાં તેઓ આઈએએસ તરીકે ઓળખાતા હતા. તેઓએ સામાજીક સંસ્થાઓ સાથે સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે અનેક સેવા કર્યો કર્યા છે. આ સેવા પ્રવૃત્તિઓ અને કામગીરીને લક્ષમાં રાખી ગોકળદાસ પરમારને વજુભાઈ સહાય એવોર્ડ, કીભકો દ્વારા મળેલો સહકારી મંડળીનો એવોર્ડ, વ્યક્તિ વિશેષ ગૌરવ પુરસ્કાર, ગુજરાતી રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતાં. ગોકળદાસ પરમારે પોતાના 76માં જન્મદિવસની સમૂહલગ્ન કરી ઉજવણી કરી હતી. મોરબી-માળિયા વિસ્તારના આગેવાનોએ 75 વર્ષ પૂર્ણ થતાં 76માં જન્મદિવસની સતવારા સમાજના સમુહ લગ્ન કરી ઉજવણી કરી હતી.

  આ પણ વાંચો: જૂનાગઢમાં યુવકની જાહેરમાં હત્યા, હત્યારો ક્રૂર બનીને તૂટી પડ્યો, લોહીના ખાબોચીયા ભરાયા, Live CCTV

  પૂર હોનારત સમયે અન્નક્ષેત્ર ખોલ્યું હતું

  મોરબીના કાળ સમાન ગણવામાં આવતા 1979ના જળબંબાકાર અને હોનારત વખતે પણ તેઓ અડીખમ રહ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલના સમયમાં તેઓએ પોતાના ઘરે અન્નક્ષેત્ર ખોલ્યું હતું અને બહારગામથી લોટ અને અન્ય ચીજવસ્તુઓ લાવી લોકોને જમાડ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને પણ તેઓએ સેવા કર્યો હતા. મોરબીના લોકો માટે હંમેશા અડીખમ રહેતા એક સમયના ધારાસભ્ય અને કોમન મેન એવા ગોકળદાસ પરમારે આજે વિદાય લેતા મોરબીના એક યુગનો અંત થયો છે. મોરબીવાસીઓ ગોકળદાસ પરમારની આ સેવા અને મીઠી યાદોને ક્યારેય નહીં વિસરી શકે.
  Published by:Vinod Zankhaliya
  First published: