Morbi Bridge Collapse: મોરબીમાં રવિવારે સાંજે બનેલી ગોઝારી દુર્ઘટનામાં મચ્છુએ 134 લોકોનો ભોગ લીધો હતો. ત્યારે તેમાંના કેટલાંક કિસ્સા તો હચમચાવી દે તેવા છે. વાંચો આ દુર્ઘટના સાથે જોડાયેલા પાંચ હૃદયદ્રાવક કિસ્સા...
મોરબીઃ ગઈકાલે સાંજે થયેલી ગોઝારી ઘટનામાં અનેક પરિવારનો વિખેરી નાંખ્યા છે. ક્યાંક કોઈના પતિનું મોત થયું છે તો ક્યાંક આખેઆખો પરિવાર માટે ઝૂલતો પુલ કાળ બનીને આવ્યો હતો.
કિસ્સો 1:
મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા ખાનપર ગામના 12 લોકોએ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ત્યારે ગામમાં એકસાથે 12 અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામમાં માતમ છવાયો હતો. આ ઘટનામાં ખાનપરનું એક દંપતી સહિત તેમની બે દીકરીઓનો ભોગ મચ્છુએ લીધો હતો. તેમના માતા ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવે છે કે, ‘મારી આખી પેઢી ઉપાડીને વ્યા ગ્યા, એકાદને રાખ્યો હોત તો ય મને આટલો અફસોસ ના થાત!’
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજકોટના કુલ 5 લોકોના મોત નીપજ્યા છે. જેમાંથી એક ત્રણ લોકોનો પરિવાર પણ મૃત્યુ પામ્યો છે. દંપતી સહિત તેના એક દીકરાનું પણ મોત નીપજ્યું છે. તેમના પરિવારને માથે આભ તૂટી પડ્યું છે. એકબાજુ આક્રંદને કારણે માતમ છવાયો છે તો બીજી તરફ ત્રણેય મૃતકોના પાર્થિવ દેહ મૂકવામાં આવ્યા છે. કાળજું કંપાવનારી આ ઘટનાએ પરિવારનો મોભી છીનવી લીધો છે.
આ હોનારતમાં મોરબીના બે બાળપણના મિત્રો પણ મૃત્યુ પામ્યા છે. જેની સાથે બાળપણથી રમ્યો હતો તે મિત્ર અંતિમ સમય સુધી સાથે રહ્યો અને બંનેના પાર્થિવ શરીર પણ એકસાથે ચિતાએ સળ્ગ્યા! કેટલી કરૂણ ઘટના, કેટલા કરૂણ દૃશ્યો. નાનપણથી સાથે હતો એ મિત્ર ચિતા સુધી સાથે ને સાથે જ રહ્યો.
મોરબીની ઝૂલતો પુર હોનારતમાં જામનગર જિલ્લાના 10 લોકોના મોત નીપજ્યા છે. તેમાં ખરેડીના 3 તો જાલિયા ગામના 7 લોકોના મોત નીપજ્યા છે. જાલિયા ગામમાં જ્યારે એકસાથે 7 પાર્થિવ દેહની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. મૃતકોના પરિવારજનોની આંખોમાંથી આંસુ સૂકાતા નહોતા, ગળામાં ડૂમા બાજી ગયેલા અને હૈયામાં માત્ર તેમની યાદ જ રહી હતી.
કિસ્સો 5:
‘મને જીવથી વધારે સાચવતા અને મને મૂકીને એકલા ચાલ્યાં ગ્યા... મારું સર્વસ્વ છીનવાય ગયું...’ આ શબ્દો છે મોરબીની પરિણીતાના. જેનો પતિ ઝૂલતા પુલની હોનારતમાં મચ્છુનો ભોગ બન્યો હતો. નવોઢાના હૈયાફાટ આક્રંદ વચ્ચે પતિનું પાર્થિવ શરીર પડ્યું છે અને બીજી તરફ સમગ્ર પરિવાર રડી રહ્યો છે. નવોઢાની આંખમાંથી આંસુ સૂકાતા નથી. ઉલ્લેખનીય છે કે, આ દંપતીના લગ્નને હજુ 6 મહિના જ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર