મોરબીઃ ઝૂલતા પુલની દુર્ઘટના મામલે સેશન્સ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓરેવા કંપનીના MD જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. ત્યારે કોર્ટમાં આ સમગ્ર મામલે 21 જાન્યુઆરી, 2023ના દિવસે સુનાવણી યોજવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના?
30મી ઓક્ટોબર, 2022ના દિવસે મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ લોકો દોડી આવ્યાં હતાં અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો હતા!
ગુજરાત સરકાર મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાની વધારાની આર્થિક સહાય આપશે. રાજ્ય સરકારે સોમવારે હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલા સોગંદનામામાં આ અંગેની માહિતી આપી છે. રાજ્ય સરકારે તેના સોગંદનામામાં કહ્યું છે કે, પુલ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકના નજીકના સંબંધીઓને કુલ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
ઝૂલતા પુલનો ઇતિહાસ શું છે?
ઝૂલતા પુલના ઈતિહાસ પર નજર કરીએ તો, 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઈ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર