મોરબી : બેદિવસ પહેલા મોરબીમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. મોરબીની અણીયારી ચોકડીથી ખાખરેચી ગામ તરફ જવાના રસ્તા પાસે કન્ટેનર કાર પર પડ્યુ હતુ. જેમાં કારમાં સવાર ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો. આ ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જે જોઇને ભલભલા થથરી જશે.
પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવી ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા. આ અકસ્માતમાં રવાપર ગામમાં રહેતા નિલેશભાઈ અમરશીભાઈ ચાડમિયા, બેચરભાઈ નારણભાઈ ચાડમિયા અને ખાખરેચી ગામના ગૌતમ ચંદુભાઈ સંતોકીનું ઘટનાસ્થળે કારમાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વીડિયોમાં દેખાયા છે તે પ્રમાણે, કાર રસ્તો પસાર કરી રહી ત્યારે કન્ટેનર આવી રહ્યું હતું. કાર ચાલકને મગજમાં હશે કે કન્ટેનર આવે તે પહેલા કાર નીકળી જશે પરંતુ એવું ન થયું અને દુર્ઘટના સર્જાઇ.
આ ગોઝારા અકસ્માતને કારણે આસપાસનાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર એટલી હદે ડબાઇ ગઇ હતી કે, તમામ મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને રસ્તા પર ટ્રાફિકજામ થયો હતો.