Morbi Bridge Collapse: મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનાએ સુરેન્દ્રનગરના દંપતીને ખંડિત કરી નાંખ્યું છે. છ મહિના પહેલાં જ દંપતીના લગ્ન થયા હતા ત્યારે બહેન-બનેવી સાથે ફરવા ગયા હતા અને ત્યાં દુર્ઘટના બની.
અક્ષય જોષી, સુરેન્દ્રનગરઃ મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટનાએ સુરેન્દ્રનગરના એક દંપતીને ખંડિત કરી નાંખ્યું છે. છ મહિના પહેલાં જ આ દંપતીના લગ્ન થયા હતા. સૌથી કરૂણ વાત તો એ છે કે, યુવતીની નજર સામે જ પતિ અને નણદોઈ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ ગોઝારી ઘટનામાં કુલ 134 લોકોના મોત નીપજ્યા હતા.
શું ઘટના બની હતી?
મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શક્તિનગર વિસ્તારમાં રહેતા આનંદભાઇ સિંધવના લગ્ન છ માસ પહેલાં જીનલબેન સાથે થયા હતા. ત્યારે દિવાળીના વેકેશનને લઈને આનંદભાઈ બહેન નિરુપમાને ઘેર મોરબી ગયા હતા. ત્યારે સાંજે બહેન-બનેવી સાથે દંપતી મણિમંદિર અને ઝૂલતા પુલ પાસે ફરવા ગયું હતું. ત્યારે આનંદભાઇનો ભાણેજ નાનો હોવાથી ઝૂલતા પુલ પર તેને ડર લાગતો હતો એટલે આનંદભાઇના બહેન નિરૂપમાબેન અને તેમની પત્ની જીનલ ભાણેજ સાથે નીચે ઉભા હતાં. ત્યારે પતિ અને બનેવી પુલ પર ગયા હતા અને થોડીવારમાં જ અચાનક જ પુલ પડે છે અને પત્ની અને બહેન સામે જ પતિ અને બનેવી પાણીમાં ગરકાવ થઈ જાય છે.
રાતના બે વાગ્યે મૃતદેહ મળ્યાં
આ ઘટનાને પગલે તેમના તમામ પરિવારજનો તાત્કાલિક મોરબી પહોંચે છે અને રાતના બે વાગ્યે સાળા-બનેવીના મૃતદેહ મળી આવે છે. ત્યારે એક જ પરિવારના બે યુવકોના મોત થતા હાલ પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. તેમના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર