મોરબી: મોરબી પુલ દૂર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ચીફ ઓફિસરની પૂછપરછ થઈ હતી. કહેવાઇ રહ્યું છે કે, થોડાસમયમાં સંદીપ ઝાલાની ધરપકડ પણ થઇ શકે છે.
નોંધનીય છે કે, આ દુર્ઘટનામાં લોકોનાં જીવ ભરખી જનાર મૂળ આરોપીને પકડવાની લોકો રોષ સાથે માંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસે ધ્રાંગધ્રાં સ્થિત જયસુખ પટેલની ઓફિસ ખાતે પણ તપાસ હાથ ધરી હતી. જ્યાં તાળા મારેલા હતા. ત્યારે પોલીસે ઓરેવા કંપનીના જયસુખ પટેલનો ફોન ટ્રેસ કરતા તેનું છેલ્લું લોકેશન હરિદ્વાર મળ્યું હતુ. મીડિયાના અહેવાલ પ્રમાણે, જયસુખ પટેલ પરિવાર સાથે હરિદ્વાર સ્થિત બંગલામાં છુપાયો હોવાની વિગતો પણ મળી છે.
આ દુર્ઘટનામાં તપાસ તેજ થતા ઓરેવા ગ્રુપનાં માલિક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જયસુખ પટેલ પોતાના પરિવાર સાથે ફરાર થઇ ગયો છે.
#BreakingNews : મોરબી પુલ દૂર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી
મોરબીનો ઝૂલતો પૂલ તૂટી પડવાની ઘટનામાં ઓરેવા કંપનીના બે મેનેજર સહિત નવની ધરપકડ કરાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના બે સગાભાઇ સહિત ત્રણ મજૂરોનો પણ સમાવેશ થાય છે. 143 વર્ષ જૂના આ પુલનું સાત મહિના પહેલાં જ સમારકામ કરવામાં આવ્યું હતું. આ સમારકામ માટે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના તીતરિયા ફળિયામાં રહેતા અલ્પેશ ગલાભાઇ ગોહિલ તેનો મોટો ભાઇ દિલીપ ગોહિલ અને કામાવિરા ફળિયામાં રહેતો મુકેશ દલસિંગભાઇ ચૌહાણ મજૂરી માટે મોરબી ગયા હતા અને ત્યાં ઓરેવા કંપનીમાં જોડાયા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર