ઓક્સિજનથી લઈ રેલવે, બોઇલર તેમજ ટાયરનું પ્રેસર માપવા વપરાય છે મોરબીના પ્રેસર ગેજ1970થી સુપર મોનોપોલી હેઠળ સાયન્ટિફિક બ્રાન્ડ હેઠળ મોરબીમાં બને છે 600થી 700 પ્રકારના પ્રેસર ગેજ
Pratik kubavat , morbi : તળિયા, નળિયા અને ઘડિયાળ ઉદ્યોગથી વિશ્વભરમાં નામના મેળવનાર મોરબી હાલમાં વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું સિરામીક હબ બન્યું છે ત્યારે મોરબીને ગૌરવ અપાવતો વધુ એક મોનોપોલી બિઝનેશ છેલ્લા 50 વર્ષથી અડીખમ ઉભો છે. મોરબી જીઆઇડીસીમાં એક જ સ્થળે ઓક્સિજન માપવાથી લઈ, બોઇલર પ્રેસર, ટાયર પ્રેસર, રેલવે સહિત વિભાગોને એક, બે નહિ પરંતુ 600 પ્રકારના પ્રેસર ગેજ પુરા પાડવામાં આવી રહી છે.
મોનોપોલી બિઝનેશ માટે મોરબી હમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે આજે મોરબીના એક એવા ઉદ્યોગની વાત સામે આવી છે જે છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી માત્ર ગુજરાત જ નહીં બલ્કે દેશ અને વિદેશમાં પણ પોતાના ઉત્પાદનો માટે જાણીતો બન્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ હતા ત્યારે મોરબીનો આ ઉદ્યોગ ચાલુ તો હતો જ સાથે જ કોરોના પેશન્ટ માટે મેડિકલક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન એસેટિલિન મીટર ઉત્પાદન કાર્ય ચાલુ રાખી દેશની સંતોષી હતી.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં વર્ષ 1970મા શરૂ થયેલ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હવા, પાણી, વરાળ અને અન્ય કેમિકલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતા પ્રેસર ગેજનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં દોઢ ઇંચથી લઈ 12 ઈંચ સુધીના 600થી 700 પ્રકારના પ્રેસર ગેજ અને સરળ ભાષામાં કહીએ તો મીટર બનાવવામાં આવે છે જે ભારતીય રેલવેથી લઈ અન્ય મહત્વપૂર્ણ વિભાગોથી લઈ પંચર વાળાની દુકાન સુધી ઉપયોગમાં લેવાય છે. સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર પ્રફુલભાઈ સોની કહે છે કે ગુજરાતમાં જામનગર, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં પ્રેસર ગેજ બનાવવામાં આવે છે પરંતુ એક જ સ્થળે અલગ - અલગ 600થી 700 પ્રકારના ફ્લો મીટર આઈએસઆઈ માર્કા સાથે બનતા હોય તે માત્ર મોરબીમાં જ છે.
મોરબીમાં સાયન્ટિફિક અને કમલ બ્રાન્ડ હેઠળ ઉત્પાદિત થતા પ્રેસર ગેજ ટાયરનું પ્રેસર ચેક કરવા માટે ઉપયોગમાં લેવાતા મીટરથી શરૂ કરી વિવિધ મશીનરી, રેલવે, પાણીના સમ્પ, સ્ટીમર, બોઇલર, મોટી સાઈઝના પ્રેસર કુકર ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ પ્રેસર માપવા માટે વિશેષ ઉપયોગમાં લેવામાં આવે છે.
સામાન્યરીતે મોરબીની તાસીર રહી છે કે કોઈપણ એક ઉદ્યોગ સફળ થાય એટલે પાછળ પાછળ આવા અન્ય ઉદ્યોગ સ્થપાતા હોય છે. પરંતુ છેલ્લા 50 વર્ષ કરતા વધુ સમયથી એકચક્રી શાસનની જેમ ચાલતા પ્રેસર ગેજ ઉદ્યોગમાં કોઈ હરીફ આવ્યા નથી અને જે હરીફો આવ્યા એ ટકી શક્યા નથી. જો કે, મોરબીની એક નામાંકિત કંપનીએ શરૂઆતમાં મોટાપાયે પ્રેસર ગેજ ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું પરંતુ ટેકનિકલી સફળતા ન મળતા આ કંપનીએ ધંધો સંકેલી લીધો હોવાનું પ્રફુલભાઈ સોનીએ ઉમેર્યું હતું.
કોરોના મહામારી સમયે તમામ ઉદ્યોગોને મંદીની અસર પહોંચી હતી ત્યારે સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી રહી હતી અને મેડિકલક્ષેત્રે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન ઓસીટીલીન મીટરનું મોટાપાયે ઉત્પાદન કર્યું હતું આજના સમયમાં પણ ઓક્સિજન મીટરની માંગ ઉપરાંત અન્ય કેમિકલો માટે ઉપયોગમાં લેવાતા મીટરનું અહીં ઉત્પાદન કાર્ય નિરંતર ચાલી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર