Home /News /kutchh-saurastra /સૌરાષ્ટ્રનો એક 'દેશી વૈજ્ઞાનિક' બન્યો 'રોજગારદાતા', હજારો લોકોને પગભર બનાવ્યાં

સૌરાષ્ટ્રનો એક 'દેશી વૈજ્ઞાનિક' બન્યો 'રોજગારદાતા', હજારો લોકોને પગભર બનાવ્યાં

અમદાવાદ: એક તરફ ઉદ્યોગો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછામાં ઓછા લોકોને રોજગારી મળે એવા વિકાસ (જોબલેસ ગ્રોથ) તરફ આગળ વધે છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેરમાં રહેતા એક સામાન્ય માણસ-મનસુખ પ્રજાપતિ- વધુને વધુ લોકોને રોજગારી મળે એ માટે તેમનુ જીવન ખર્ચી રહ્યાં છે. 52 વર્ષીય મનસુખ પ્રજાપતિ તેમણે કરેલા માટીના વાસણોનાં સંશોધનો માટે જાણીતા છે. દસ ધોરણ પાસ એવા મનસુખભાઇનું લક્ષ્ય છે કે, તેમના કામ અને સંશોધનો થકી વધુને વધુ લોકોને રોજગારી મળે અને પગભર બનેં.

મનસુખભાઇ પ્રજાપતિ અત્યારે 80થી વધારે લોકોને રોજગારી આપે છે અને 2010થી લઇ અત્યાર સુંધીમાં 1000થી વધારે લોકોને માટીનાં વાસણો બનાવવાની તાલીમ આપી ચૂક્યા છે. આ તાલીમ પામેલા લોકો પોતે પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે અને અન્ય લોકોને પોતાને ત્યાં રોજગારી પણ આપે છે.



ગરીબ પરિવારમાંથી આવતા સામાન્ય વ્યક્તિ એવા મનસુખભાઇની જીવન કહાની અસામાન્ય છે. દશમાં ધોરણમાં બીજા પ્રયત્ને પાસ થયા પછી તેમણે અભ્યાસ છોડી દીધો. પિતાજીએ વાંકાનેરમાં તેમને ચાની લારી કરી આપી. પણ મનસુખભાઇને સતત થયા કરતું કે, હું પણ કંઇક કરી શકીશ. વાંકાનેર, મોરબી, થાનગઢ વિસ્તારમાં નળીયા અને સિરામિકના કારખાના જોઇ તેમને પણ એમ થતુ કે, આપણી પણ એક ફેક્ટરી હોવી જોઇએ. આ પછી ચાની લારી બંધ કરી સ્થાનિક કારખાનામાં કામ સ્વીકાર્યું અને થોડા વર્ષો પછી પોતે જ માટીના વાસણો બનાવવાનું શરૂ કર્યું. માટીના નવાં-નવા વાસણોના સંશોધનો શરૂ કર્યાં અને સફળતા મળતી ગઇ. તેમણે બનાવેલા માટીના વાસણોમાં મિટ્ટીકુલ (માટીનું ફ્રીઝ), માટીની તાવડી, નોન-સ્ટીક તવો, માટીનું સફેદ માટલું જેવા સંશોધન જાણીતા છે અને મોટા પ્રમાણમાં વેચાચ છે. મનસુખભાઇને તેમના સંશોધનો માટે પાંચથી વધુ પેટન્ટ મળેલી છે. એક સમયે દેણુ કરીને માટીના વાસણોમાં સંશોધન શરૂ કર્યું હતુ અને આજે તેમનું વાર્ષિક ટર્ન ઓવર બે કરોડને આંબી ગયુ છે. તેમના વાસણો દુબઇ, આફ્રિકા સહિત અનેક દેશોમાં વેચાય છે.



વાંકાનેરના મનસુખ પ્રજાપતિ માત્ર દસ ધોરણ પાસ છે પણ 80થી વધુ લોકોને રોજગારી આપે છે. 1000થી વધુ લોકોને માટીના વાસણો બનાવવાની તાલીમ આપી પગભર બનવામાં મદદ કરી છે. વિશ્વની નામાંકિત શૈક્ષેણિક સંસ્થાઓમાં વ્યાખ્યાન આપવા જાય છે.


મનસુખભાઇએ ન્યૂઝ18 ગુજરાતીને કહ્યું કે,"સંઘર્ષના દિવસોમાં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, સૃષ્ટિ સંસ્થાના સ્થાપક પ્રો. અનિલ ગુપ્તાએ ખૂબ સહયોગ આપ્યો. સંશોધનો પાછળનો મારો ઉદ્દેશ છે કે, પર્યાવરણની જાળવણી થાય, લોકોનું આરોગ્ય સારું રહે, સસ્તુ હોય અને વધુને વધુ લોકોને રોજગારી મળે. 2010ના વર્ષથી લોકોને મારે ત્યાં તાલીમ આપવાનું શરૂ કર્યું. તાલીમમાં કોઇ જ્ઞાતિબાધ નહિં. જે કોઇને પણ શીખવું હોય તે આવે. આ કામ શીખ્યા પછી તેઓ પોતાનું સ્વતંત્ર કામ પણ શરૂ કરે. એટલે પોતે પણ પગભર બને અને અન્ય લોકોને પણ રોજગારી આપે. અત્યાર સુંધીમાં 1000 લોકોને તાલીમ આપી ચૂક્યો છું."

મનસુખભાઇને એમ પુછ્યું કે જો તમે તમારુ કામ (ધંધાનું રહસ્ય) બીજાને શીખવશો, તો જતે દિવસે એ લોકો તમારી સામે સ્પર્ધામાં આવશે નહિં ? મનસુખભાઇએ માર્મિક જવાબ આપ્યો, "વ્યક્તિ જ્યારે કોઇને નવું શીખવે છે ત્યારે તે ગુરુ બને છે અને ગુરુને શિષ્યની પ્રગતિથી આંનદ થાય. ઇર્ષા ન આવે".



મનસુખભાઇને પાંચથી વધુ વખત રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂક્યાં છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તેમને માનદ પ્રોફસરની ડિગ્રી આપવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (ગાંધીનગર), પારુલ યુનિવર્સિટી તેમજ અન્ય યુનિવર્સિટીઓમાં નિયમીત રીતે વ્યાખ્યાન આપવા જાય છે.



તેમના નવા સંશોધન વિશે મનસુખભાઇએ જણાવ્યું કે, "વિશ્વ જ્યારે ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરોથી પિડાઇ રહ્યું છે ત્યારે હું એક નવા પ્રકારના મકાનની ડિઝાઇન-સંશોધન કરી રહ્યો છું. જેમાં વિજળીનો નહિવત ઉપયોગ હોય અને ગરમીમાં પણ કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ વગર પણ ઠંડક રહે. ઉપરાંત, આ ઘર સામાન્ય માણસ પણ બનાવી શકે."

રાજ્ય સરકારે તેમને આ સંશોધન કરવા માટે વ્યાજબી ભાવે જમીન આપી છે.

વિજયસિંહ પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી
First published:

Tags: Innovation

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો