મોરબીથી હાર્દિકે શરૂ કર્યા પ્રતિક ઉપવાસ, કહ્યુ- 'ગાંધી માર્ગે લડાઈ લડીશ'

કનુભાઈ કળસરિયા હાર્દિકના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

"ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે."

  • Share this:
    મોરબીઃ હાર્દિક પટેલ આજથી એટલે કે ગાંધી જયંતિના દિવસથી મોરબીના બગથળા ગામથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકના કાર્યક્રમમાં ખેડૂત નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. હાર્દિકના પ્રતિક ઉપવાસ આંદોલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાર્દિકે કહ્યું હતું કે અમે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમાં રાજ્યના દરેક તાલુકાઓ સુધી જશે.

    આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, "પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિના દિવસથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ થશે. ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે."

    ગાંધી જયંતિ પર હાર્દિકનું ટ્વિટ

    ગાંધી જયંતિએ હાર્દિક પટેલે ટ્વિટ કરતા લખ્યું છે કે, "સમાજમાં ફેલાયેલી ધૃણા, હિંસા અને સાંપ્રદાયિકતાથી દેશને બચાવવાનું એકમાત્ર હથિયાર સત્ય અને અહિંસા છે. હું પૂજ્ય બાપુના ચીંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ. સત્ય અને અહિંસાની લડાઈથી લોકોના મૌલિક અધિકારોની વાત કરીશ."

    19 દિવસ કરી ચુક્યો છે ઉપવાસ

    આ પહેલા હાર્દિક પટેલ 19 દિવસ સુધી ઉપરની ત્રણેય માંગણીઓને લઈને પ્રતિક ઉપવાસ કરી ચુક્યો છે. જોકે, સમાજના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિક પટેલે 19માં દિવસ બાદ પારણા કરી લીધા હતા. ઉપવાસ દરમિયાન તબિયત લથડતા હાર્દિક પટેલને બે દિવસ માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદારની છ મુખ્ય સંસ્થાઓના આગેવાનોની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સરકાર તરફથી હાર્દિકને મળવા માટે કોઈ જ પ્રતિનિધિ પહોંચ્યા ન હતા.

    ત્રણ માંગણીને લઈને ઉપવાસ

    1) ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.
    2) પાટીદાર સમાજને અનામત આપવામાં આવે.
    3) રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે.
    Published by:Vinod Zankhaliya
    First published: