મોરબીમાં GUJCTOC હેઠળ પ્રથમ ગુનો: મમુ દાઢીની હત્યાના આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરાઇ

મમુ દાઢી હત્યા કેસ - મોરબી

હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા કરી હતી. આ ઘટના અંગે પોલીસે તેર શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી જિલ્લામાં ગુજસીટોક (GUJCTOC ) હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. મમુ દાઢીની હત્યા કેસ (Mamu Dadhi murder case) માં સંડોવાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક સહિતની કલમનો ઉમેરો કરી આગળની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

  મોરબીમાં ગત તા.7 સપ્ટેમ્બરના રોજ મોરબી- કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફોર્ચ્યુનર કારને આંતરી ફાયરિંગ કરાયું હતું જેમાં હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા કરી હતી. આ ઘટના અંગે પોલીસે તેર શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  આ મામલે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા સતત ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોવાથી તમામ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરાતા કોર્ટે આરોપીઓ ઇસ્માઇલ બ્લોચ, ઈરફાન બ્લોચ, ઇલ્યાસ ડોસાણી, એજાજ ચાનીયા, રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ, જુનેદ હુસેન ચાનીયા, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશ સોલંકી અને ઈરફાન અલ્લારખાભાઈ ચિચોદરા સહિત ગુન્હામાં પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરવા જણાવાયું છે. આ ઉપરાંત તપાસમાં જે લોકોની સંડોવણી ખુલે તે તમામ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આગળની કાર્યવાહી ડીવાયએસપી કરશે તેમ અંતમાં જણાવ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ગત તા.૦૯ ના રોજ મોરબીના નામચીન હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીને તેર ઈસમોએ ઘેરી અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી જેમાં મૃતક મમુ દાઢીના પુત્ર મકબુલ કાસમાણી એ નવ ઈસમો સામે નામ જોગ અને ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઇ જે એમ આલ, એલસીબી પીઆઇ વી બી જાડેજા અને એ ડીવીઝન ની જુદી જુદી ટીમોએ આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં હત્યામાં વપરાયેલી સ્વીફ્ટ કાર ન. જીજે 36 એસી 7867ને વાંકાનેર તાલુકાના ખેરવા નજીકથી કબ્જે કરી હતી જેમાં તપાસ કરતા પીસ્ટલ અને એક ખાલી કાર્તિસ મળી આવ્યા હતા.

  ઉલ્લેખનીય છે આ હત્યામાં મૃત્યુ પામનાર હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢી પર પણ ભૂતકાળમાં હત્યા સહિતના ગુનાઓનો ઇતિહાસ છે તો બીજી બાજુ સામેના પક્ષે પણ જુદ જુદા જૂથના વ્યક્તિઓએ એકઠા થઇ આ મમુ દાઢીની હત્યાનો પ્રિ પ્લાન ઘડ્યો હતો કેમ કે એ લોકોને ખ્યાલ હતો કે જો હનીફ ઉર્ફે મમુ દાઢી બચી ગયો તો તેઓને બચવા કોઈ જ રસ્તો રહેશે નહીં જેથી તેનું મોત થાય એ જરૂરી હતું એ માટે બનાવ સ્થળની જગ્યા પણ આરોપીઓએ એ રીતની પસંદ કરી છે જેમાથી મમુ દાઢી બચીને ભાગી શકે નહીં ત્યારે આ હત્યા ચકચારી માનવામાં આવી રહી છે.
  Published by:kiran mehta
  First published: