Home /News /kutchh-saurastra /Gujarat election 2022: મોરબીમાં અઢી દાયકાથી લહેરાઇ રહ્યો છે કેસરિયો, જાણો કેવી છે સૌરાષ્ટ્રના 'પેરીસ'ની રાજકીય સફર
Gujarat election 2022: મોરબીમાં અઢી દાયકાથી લહેરાઇ રહ્યો છે કેસરિયો, જાણો કેવી છે સૌરાષ્ટ્રના 'પેરીસ'ની રાજકીય સફર
From 1962 to 2017, the Morbi seat has held assembly elections 13 times, with the BJP winning 6 times and the Congress 5 times.
Morbi assembly constituency : 1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly election 2022)એલાન થાય તે પહેલા મતદારોને રીઝાવવા નાના મોટા દરેક પક્ષે પોતાની કમર કસી છે. વર્ષો જૂની ભાજપની સત્તાને ઉખેડીને વિસર્જન અને પરીવર્તન લાવવું કદાચ આજે ગુજરાતમાં કોઇ પક્ષ માટે શક્ય બનાવવું અશક્ય છે. પરંતુ હાં, અમુક અંશે અને અમુક બેઠકો પર ભારે પડી શકે છે. 182 વિધાનસભા સીટો પર સ્થળ અને મતદારોના મૂડ પર રાજનેતા અને પક્ષનું ભાવિ નક્કી થાય છે. તેથી રાજ્યની કઇ સીટ પર કેવા મતદાતાઓ અને રાજકીય હોદ્દેદારોને પ્રભાવ રહ્યો છે તે જાણવું અને સમજવું ખૂબ જરૂરી બની જાય છે. તેથી આજના આ લેખમાં અમે તમને બજાવશું સૌરાષ્ટ્રનું પેરીસ ગણાતા મોરબી વિધાનસભા બેઠકની (Morbi Assembly seat) કુંડળી વિશે.
મોરબી બેઠકનો ટૂંકમાં ઈતિહાસ
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં (morbi assembly constituency)13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.
'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા. તેમને 89396 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમૃતિયા કાંતિલાલને 85977 મત મળ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.
વેબસાઇટ અનુસાર 1985માં ભાજપે મોરબી બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો 1995થી લઈને સળંગ ચાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અહીં જીત્યો છે.
મોરબી માળિયા વિધાનસભા બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ હતી. ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ અમૃતિયા 5 ટર્મથી સતત ચૂંટાઈ આવતા હતા. જોકે પાટીદાર આંદોલન સહિતના કારણોને લીધે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. જોકે અઢી વર્ષ બાદ બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડી હતી.
બ્રિજેશ મેરજાએ કર્યો પક્ષ પલટો
રાજ્યસભાની ચૂંટણી સમયે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જેથી ખાલી પડેલી આ બેઠક પર વર્ષ 2020માં પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે ભાજપે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે જયંતિ જયરાજને ટિકિટ આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થઇ હતી. મોરબી બેઠકમાં 2002થી 2012 સુધી ભાજપની એક હથ્થું સત્તા હતી, જ્યારે 2017માં કોંગ્રેસ તરફથી બ્રિજેશ મેરજાએ ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. ત્યારબાદ 2020માં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજાઇ હતી.
મોરબી બેઠકની સ્થાનિક ખાસિયતો
મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત શહેર છે. મોરબીમાં ઘડિયાળ, નળિયા, સિરામિક ઉપરાંત પેપરમિલ ઉદ્યોગ વિકસ્યા છે અને સિરામિક ટાઈલ્સ દુનિયાના ઘણા દેશોમાં એક્સપોર્ટ થાય છે. જેના થકી સરકારને વિદેશી હુંડીયામણ રળી આપે છે. તો કરોડો રૂપિયાનો ટેક્સ પણ મોરબી ચુકવે છે. મોરબી તાલુકો માથાદીઠ આવકમાં પણ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અગ્રેસર જોવા મળે છે.
મોરબી બેઠક છે પાટીદારોનો ગઢ
65 મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને આ બેઠક ભાજપના ગઢ સમાન માનવામાં આવે છે. આ બેઠકમાં કુલ મળીને અંદાજે 2,70,906 મતદારો નોંધાયા છે. જેમાં 1,41,583 પુરુષ અને 1,29,322 સ્ત્રી તેમજ 2 અન્ય મતદારો નોંધાયા છે.
આ ઉપરાંત મહેશ્વરી, વાંજા, નાગર, મહારાષ્ટ્રીયન, પરપ્રાંતીય લોકો કે જે મોરબીમાં સ્થાયી થયેલા છે તે મતદારોનો પણ સમાવેશ થાય છે.
2022ની ચૂંટણીમાં બેઠકની ભૂમિકા
મોરબીને પાટીદારોનું હબ ગણવામાં આવે છે. અહીં પાટીદારોની વોટબેંક ખૂબ મજબૂત છે. પરંતુ વર્ષ 2015માં પાટીદાર સમાજને અનામત વર્ગમાં સમાવવાની માંગને લઈને આંદોલન થયું હતું. આ દરમ્યાન આંદોલનને કચડવા માટે સરકાર દ્વારા આંદોલન સમિતિના નેતાઓ, હોદ્દેદારો અને અનેક યુવકો પર સરકારે આડેધડ કેસો દાખલ કર્યા હતા. જેને હટાવવાની માંગ હાલ તીવ્ર બની છે. ભાજપ સરકાર માટે સૌથી મોટું ફેક્ટર બની શકે છે. કારણ કે પાટીદારોની નારાજગીની કિંમત બેઠક ગુમાવી કરવી પડી શકે છે. બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીથી ઉદ્યોગોની કમર તૂટી છે. તેમાં મોરબી સિરામિક અને ઘડીયાળના ઉદ્યોગનું હબ છે. તેથી વેપારીઓ પણ વિવિધ માંગો સાથે સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે. આ સિવાય સામાન્ય સુવિધાથી લઇને અનેક એવા મુદ્દાઓ છે જે મોરબી બેઠકને 2022ની વિધાનસભા ચૂંટણીમાં હોટ સીટ બનાવે છે.
બેઠક પર થયેલા વિવાદો
- 2020માં યોજાયેલ પેટાચૂંટણીમાં ભાજપે ઉમેદવારે જાહેર કર્યા પહેલા જ બ્રિજેશ મેરજાને 65 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર કરાતા પોસ્ટરો શહેરમાં લાગતા રાજકારણ ગરમાયું હતું.
- કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ બ્રિજેશ મેરજાને જાણ જૂનો પક્ષ ભૂલાયો ન હોય તેમ ભાપજના પ્રદેશાધ્યક્ષ સી આર પાટીલને જાહેરમાં કોંગ્રેસના પ્રમુખ ગણાવી ભાંગરો વાટ્યો હતો.
- બ્રિજેશ મેરજાએ પક્ષ પલટો કરતા તેના વિરોધમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મોરબીમાં ધામા નાખી તેમના નિર્ણયને વખોળ્યો હતો.
- કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અચાનક ધારાસભ્યપદેથી તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ આપતા લલિત કગથરાએ કહ્યું હતું કે – મેરજાએ પૈસા અને સત્તા માટે પ્રજા સાથે રાજદ્રોહ કર્યો છે.