'પાંચ લાખની ખંડણી આપો નહીં તો વીમો ઉતરાવી રાખજો,' જયંતિ કવાડિયાને ધમકી

જયંતિ કવાડિયા (ફાઇલ તસવીર)

 • Share this:
  ગુજરાત ભાજપ સરકારના પૂર્વ મંત્રી તેમજ હળવદના બીજેપી અગ્રણી અને પાટિદાર આગેવાન જયંતિ કવાડિયાને ફોન પર ગેંગસ્ટરના નામે ધમકી મળી છે. આ અંગે મોરબી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આાવી છે.

  મળી રહેલી માહિતી પ્રમાણે અર્જુન નામના વ્યક્તિએ ફોન પર ગેંગસ્ટર રવિ પૂજારીના નામે ધમકી આપી હતી. ફોન પર પાંચ લાખ રૂપિયા આપવા તેમજ વીમો ઉતારવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે અર્જુન નામના વ્યક્તિ સામે મોરબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

  જયંતિ કવાડિયા ગત ભાજપ સરકારમાં પંચાયત અને ગ્રામ્ય વિકાસ મંત્રી હતા. તેઓ ધ્રાંગધ્રા-હળવદ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા.

  જયંતિ કવાડિયા હાલમાં મોરબીમાં રહે છે. ન્યૂઝ 18 ગુજરાતીને ને મળેલી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા રવિ પૂજારીના નામે ખંડણી માંગવાનો ફોન પૂર્વ મંત્રી કવાડિયાને આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જયંતિ કવાડિયાને પાંચ લાખની ખંડણી આપવા માટે ચીમકી આપી હતી, એટલું જ નહીં ફોન કરનાર વ્યક્તિએ પૂર્વ મંત્રીને એવું પણ કહ્યું હતું કે જો ખંડણી નથી આપી તો પોતાનો વીમો ઉતારી રાખે.

  પૂર્વ મંત્રીને ખંડણી માટેનો ફોન આવ્યા બાદ ગાંધીનગર સુધી ફોન રણક્યા હતા અને આ કેસમાં તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. આ માટે પોલીસ બે અલગ અલગ ટીમની પણ રચના કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસની એક ટીમ તપાસ માટે મુંબઈ પહોંચી હતી. જ્યાં પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. એવી પણ માહિતી મળી છે કે અટકાયત કરવામાં આવનાર વ્યક્તિ રવિ પૂજારી ગેંગ સાથે સંકળાયેલો નથી પરંતુ તે કોઈ ઠગ હોવાની માહિતી મળી છે. અર્જુન નામને આ વ્યક્તિ લોકોને ખંડણી માટેના ફોન કરતો રહે છે અને રવિ પૂજારીના નામે પૈસા પડવાની પોતાનું ગુજરાન ચલાવે છે.

  ઇનપુટઃ રવિ મોટવાણી, મોરબી
  Published by:Vinod Zankhaliya
  First published: