Pratik kubavat , morbi : આ વર્ષે મરચું બન્યું તીખું તમતમતું, ગૃહિણીઓમાં દેકારો મરચા-મસાલાની સિઝનને લાગ્યું ભાવ વધારાનું ગ્રહણ : તીખા સુસવાટા વચ્ચે મસાલા ખરીદતી ગૃહિણીઓ. મંદીના માહોલ વચ્ચે ગૃહિણીઓમાં દેકારો.ઓણસાલ મરચા-મસાલાની સીઝનમાં લાલ ચટાક મરચાંએ ગૃહિણીઓને રાડ પડાવી દીધી છે, ગત વર્ષની તુલનાએ ઘોલર, સિંગલ પટ્ટો, ડબલ પટ્ટો અને ખાસ કરીને કાશ્મીરી મરચાના ભાવમાં તેમજ જીરુંના ભાવમાં આકરા ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
દર વર્ષે ફાગણ મહિનાના મધ્યભાગમાં બારે માસ મસાલા ભરવાની મોસમ શરૂ થતા જ ગૃહિણીઓ મરચું, હળદર, ધાણાજીરું,રાય, મેથી, હિંગ સહિતના મસાલાઓ ખરીદી કરવા મસાલા માર્કેટમાં પહોંચી જાય છે, મોરબીમાં પણ દર વખતની જેમ રવાપર રોડ, શનાળા રોડ, સામાકાંઠા સહિતના વિસ્તારમાં અનેક જગ્યાએ હંગામી મસાલા માર્કેટ શરૂ થઈ છે, જો કે, આ વર્ષે ગૃહિણીઓને ખાસ કરીને મરચું અને જીરુંના ભાવમાં આવેલ ઉછાળો અકળાવી રહ્યો છે.
સિંગલપટ્ટો, ડબલપટ્ટો, મરચી, કાશ્મીરીમરચું જેવા વિવિધ પ્રકારના મરચા, જીરૂં રાજાપુર હળદર, સેલમ હળદર, ધાણા જેવા વિવિધ મરીમસાલાની બજારો હાલ મોરબીની ધમધમી રહી છે, ગત વર્ષેની તુલનાએ આ વર્ષે બજારો તેમજ મસાલામાર્કેટની સંખ્યામાં પણ ઘણો વધારો દેખાઈ રહ્યો છે.
ગત વર્ષની તુલનાએ આ વર્ષે મોરબીની મસાલા માર્કેટમાં મરચાના ભાવમાં બમણા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેમજ જીરુંના ભાવમાં પણ પ્રતિકિલોએ 50થી 100 રૂપિયાથી વધુનો ભાવ વધારો આવ્યો હોવાથી ગૃહિણીઓ બજેટ વેરવિખેર થયાનું જણાવી રહ્યા છે, આ વખતે માર્કેટમાં સિંગલ પટ્ટો મરચું 350 રૂપિયા, ડબલ પટ્ટો મરચું 400 રૂપિયા, મરચી 350 થી 400 રૂપિયા અને કાશ્મીરી મરચું 600 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેચાણ થાય છે. જયારે સેલ્મ હળદર 200 રૂપિયા, રાજાપુરી હળદર 190 રૂપિયા, ધાણા 150 રૂપિયા, જીરું 350થી 400 રૂપિયા અને રાય 90થી 100 રૂપિયાના ભાવે પ્રતિકિલો વેચાઈ રહી છે.
જો કે, આ વર્ષે મસાલા માર્કેટમાં મરચા અને જીરુંના ભાવ ઉચા રહેતા બજેટને અસર પડી હોવાનું મોરબીના ગૃહિણી આરતીબેન અને શિલ્પાબેન જણાવી રહ્યા છે જયારે મસાલાના વેપારી મહિલા નર્મદાબેન મસાલામાં ભાવ વધારો થયો હોવા છતાં હાલમાં ઘરાકી સારા પ્રમાણમાં હોવાનું જણાવી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર