દરેક માણસ સમાજમાં પોતાના નામની ઈજ્જત રહે તેવું ઈચ્છે છે, જેનો ફાયદો ઉઠાવી કેટલીક એવી ગેંગ છે જે મહિલાઓનો ઉપયોગ કરી પૈસાવાળા વેપારીઓને ફસાવે અને તેમનો બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરી પૈસા ખંખેરવાનો ધંધો કરે છે. આવી જ વધુ એક ઘટના આ વખતે મોરબીથી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના એક વેપારીના સંપર્કમાં એક મહિલા આવી, ત્યારબાદ બંને વચ્ચે સંબંધ બંધાયો. જેમાં મહિલાએ પોતાના સાગરીતની મદદથી વેપારી સાથેનો બિભત્સ વીડિયો બનાવી લીધો અને ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગવાનું શરૂ કર્યું. વેપારીએ આનાકાની કરતા વીડિયો વાયરલ કરી ફરી કરોડોની માંગ શરૂ કરી દીધી. વેપારીએ રૂપિયા ન આપતા મહિલાએ વેપારીને ધમકી આપવાનું શરૂ કરી દીધુ કે, હું બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાવીશ.
વેપારીની ફરિયાદ બાદ પોલીસે મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મોટાભાગે લોકો સમાજમાં બદનામી થાય તે ડરથી પોલીસ મથકે ફરિયાદ કરવાનું ટાળતા હોય છે જેથી આવી ગેંગ તેનો ફાયદો ઉઠાવી વેપારીઓને લૂંટતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલીવાર આવી ઘટના બની નથી આ પહેલા પણ અમદાવાદના નરોડાના વેપારીને મનીષા ગોસ્વામી નામની મહિલાએ ફસાવી તેને શહેરની એક હોટલમાં લઇ ગઇ હતી અને તેને કોઇક પદાર્થ પીવડાવી બેભાન બનાવી તેનો બિભત્સ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા અને તેના પતિએ ફરિયાદી વેપારી પાસેથી રૂ.૧૦ કરોડની ખંડણી માંગી હતી. ત્યારબાદ પાલનપુરમાં પણ અન્ય એક યુવતીના નામે વેપારીઓને બ્લેકમેઇલ કરતી ટોળકી સામે આવી હતી. આ ટોળકીનો ભોગ બનેલા પાલનપુરના વેપારીએ પોતાની ઇજ્જત ખાતર રૂપિયા 3.50 લાખ આપ્યા હોવાની ચોંકાવનારી વિગતો મળવા પામી હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર