Morvi News: પશુપાલન મંત્રીએ મોરબીથી આખલાઓના ખસીકરણનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે ગામે-ગામે પશુઓની સારવાર વધુ સુલભ બનાવવા માટે રાજ્યમાં નવા 127 પશુ દવાખાનાઓ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
મોરબીઃ પશુપાલન મંત્રીએ મોરબીથી આખલાઓના ખસીકરણનો શુભારંભ કરાવ્યો છે. ત્યારે ગામે-ગામે પશુઓની સારવાર વધુ સુલભ બનાવવા માટે રાજ્યમાં નવા 127 પશુ દવાખાનાઓ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવવા માટે આખલાઓના ખસીકરણની રાજ્યવ્યાપી ઝૂંબેશનો મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યુ હતુ કે, ‘રાજ્ય સરકાર નાગરિકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવમૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે આ ખાસ ખસીકરણ ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.’
તેમણે મોરબીથી શરુ થયેલી આ ખસીકરણ ઝૂંબેશને વ્યાપક અને સફળ બનાવવા માટે ગૌશાળાઓ, વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ સહિત નાગરિકોને સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતુ કે, ‘રાજ્ય સરકાર હંમેશા પશુપાલકોની પડખે ઉભી છે અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ માટે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરી છે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં 465 જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગામે-ગામે પશુઓની સારવાર વધુ સુલભ બનાવવા માટે રાજ્યમાં નવા 127 ફરતા પશુ દવાખાનાઓ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.’
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ શું કહ્યુ?
આ ઉપરાંત મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતુ કે, ‘જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો અને અન્ય ઢોરનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે. ખસીકરણ ઝૂંબેશ આવી સંસ્થાઓને સાથે રાખી કરવામાં આવે તો આ ઝૂંબેશ વધુ સફળ થશે. આ પ્રસંગે યદુનંદન ગૌશાળા ખાતે 50 જેટલા આખલા અને વાછરડાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીના વરદ હસ્તે ગાયોની સેવા માટે દાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.’ આ પ્રસંગે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા અને બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર