કચ્છ: આજે બાળકો અને યુવાનો મોબાઇલ અને કોમ્પ્યુટરમાં ગેમ રમવામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે આ યુવાને માત્ર એક કે બે નહીં, પરંતુ અવનવા 150થી પણ વધારે આકર્ષક યંત્ર બનાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા છે. પણ ગરીબ પરિવારનો પુત્ર અનેક વખત સરકારને પ્રોત્સાહન માટે રજૂઆત કર્યા કબાડ હવે આશા છોડી દીધી છે.
કચ્છનો "સાહિન ધ સાયન્ટિસ્ટ" ગેજેટ માસ્ટર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને 150થી વધુ સંશોધન કર્યા છે. રિમોટ વાળી બોટ, હવામાં ઉડતા પક્ષીઓ, એક્ઝોસ્ટ ફેન જેવા અનેક આવિષ્કાર કર્યા છે. આ આવિષ્કારો વેસ્ટમાંથી બેસ્ટ હોવા ઉપરાંત લોકોના રોજિંદા જીવનમાં બહુ ઉપયોગી હોય છે. કચ્છમાં ભુજનો સાહિન સૈયદ કે જે એક ગરીબ પરિવારમાંથી આવે છે કે, જેને પોતાની સૂઝબૂઝ થકી વેસ્ટમાંથી બેસ્ટ ગજબના ગેજેટ બનાવ્યા છે અને પોતાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના કારણે આજે તેણે પોતાની ગેજેટ માસ્ટર તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. ગેજેટ વિવિધતા સભર અને રોજિંદા જીવનમાં ઉપયોગી છે.
સાહિન તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે વધારે શિક્ષણ મેળવી શક્યો નહીં. ધોરણ 10 બાદ જ તેણે અભ્યાસ મૂક્યો હતો અને હાલ ફરી આઇ.ટી.આઇ.માં ભરતી થયો છે. સાહિન ખૂબ ટેલેન્ટેડ છે અને એટલો સ્વાભિમાની પણ છે. ભૂકંપમાં સાહિનના માતાની કરોડરજ્જૂ તૂટી ગઈ અને તેઓ હંમેશા માટે પેરાપ્લેઝિક બની ગયા હતા. સાહિનના પિતા સાથ આપવાને બદલે સાથ છોડી ગયા પણ નાનકડા સાહિને માતાનો હાથ ન મૂક્યો અને આજે પોતાના નામ સાથે પિતાનું નામ લખવાને બદલે માતા અમીનાબેનનું નામ ખૂબ જ ગૌરવથી લખે છે.
સાહીને વેસ્ટ વસ્તુઓ એકઠી કરીને રિમોટ કન્ટ્રોલથી ચાલતી બોટ તૈયાર કરી હતી જેનું નામ એસ 5 ડ્રીમ રાખવામાં આવ્યું હતું. આ બોટ પાણીમાં અડધા કિલોમીટરનું અંતર કાપી શકે છે અને પાણીમાં માછલીઓને દાણા નાખી શકે છે. આ ઉપરાંત કચરો ઉપાડી શકે તેવું યંત્ર પણ બનાવ્યું છે, જે કચરો ઉપાડી શકે, ફેંકી શકે અને ઘરમાં પોતુ કરી શકે અને સુકવી પણ શકે છે.
અત્યાર સુધી સાહિન નાનકડી પંપ મશીનથી માંડી સુપર એક્ઝોસ્ટ ફેન અને બેટરી ચાર્જિંગથી માંડીને ગૂગલ ગ્લાસ જેવા અનેક નાના-મોટા આવિષ્કાર કરી ચૂક્યો છે. હાલ આ યુવાન પોતાની ટેલેન્ટ નમો ટેબલેટ રિપેરીંગ નાના-મોટા કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે તો તેને યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન ઉપરાંત આર્થિક સહાય મળે તો સમાજ સાથે સમગ્ર કચ્છનું નામ પણ રોશન કરી શકે તેમ છે. થ્રી ઈડિયટ ફિલ્મના રેન્ચોને જોઈને આપણે સૌ તાળી વગાડતા હોઈએ છીએ પરંતુ આપણી આસપાસ વસતા આવા સ્થાનિક ટેલેન્ટ યુવાનોને મદદ કરીને તેને આગળ લઈ આવીને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આપણો પોતાનો સિંહફાળો આપી શકીએ છીએ.
સાહિન ખૂબ નાની ઉંમરથી વૈજ્ઞાનિક બનવાનો સાપનો જોઈ રહ્યો છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોતાં પોતાના એક રૂમના ઘરમાં જ સંશોધનો કરવાનું શરૂ કર્યું હતું અને આજે તે ઘર તેના અદભુત સંશોધનોથી ભરેલું છે. અનેક વખત શાહીન દ્વારા સરકારી હોદેદારોને પત્ર લખી પ્રોત્સાહન માટે માંગ કરવામાં આવી હતી પણ બધા પત્રો, બધા ઇન્ટરવ્યૂ કંઈ અપાવી શક્યા નહીં. અથાક પ્રયત્નો બાદ હવે શાહીન હતાશ છે કે તેને જો સરકાર તરફથી પ્રોત્સાહન મળ્યું હોત તો તે આઇ.ટી.આઇ.માં નહિ પરંતુ આઇ.આઇ.ટી.માં ભણતો હોત. પણ શાહીન ને હવે ફક્ત પોતાની જાત પર આશા છે કે હવે તે જે બનશે તે પોતાની મહેનતે બની દુનિયાને બતાવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર