કળા એ માણસના લોહીમાં વણેલી હોય છે એને બહાર લાવવા માટે કોઈ પ્લેટફોર્મ મળે તો ચોક્કસથી તે ખીલી ઉઠે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો (Kutch District) અનેક પ્રકારની કળા કારીગરી (Kutchi Handicraft) માટે પ્રખ્યાત છે. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરવામાં કચ્છની મહિલાનો સવિશેષ ફાળો રહ્યો છે. કચ્છની ભરત ગુંથણ કળા, લીંપણ, મડવર્ક, હાથવણાટ કામ, મોતિકામ, ચર્મવર્ક, એમ્બ્રોડરી વગેરે અનેક કળાઓમાં મહિલાઓ કોઈને કોઈ રીતે સંકળાયેલી છે.
કચ્છની મહિલાઓના કારણે અનેક કળાઓ અને કચ્છી સંસ્કૃતિ આજે દેશ અને વિદેશ પહોંચી છે. મહિલાઓ ભરતગુંથણ કરીને પરંપરાગત વસ્ત્રો, વસ્તુઓ તથા ગોદડીઓ બનાવે છે અને તેને કચ્છ ગુજરાત સહિત દેશના જુદાં જુદાં ખૂણે તથા વિદેશોમાં પણ વેંચે છે અને સારી એવી કમાણી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે.
આ ઉપરાંત અહીં ચર્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા પણ અનેક મહિલાઓ છે જે ચામડામાંથી જૂતાં, ચપ્પલ, લેડીઝ પર્સ અને જુદી જુદી સુશોભનની વસ્તુઓ પણ બનાવે છે અને સારી એવી માત્રામાં વેંચાણ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. કચ્છની અનેક મહિલાઓએ જુદી જુદી કળાઓમાં તાલુકા, જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર પણ મેળવ્યા છે.
આજના આ આધુનિક યુગમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે હવે કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી રહ્યા ત્યારે આજની મહિલાઓ પુરુષો કરતાં અનેક રીતે આગળ વધી રહી છે ત્યારે કચ્છની એવી એક પણ કળા નથી જેમાં મહિલાઓનો સહયોગ ન હોય. આજે મહિલા દિને આવી મહિલાઓને અભિનંદન આપવાનું સહેજે મન થાય કે અહીંની મહિલાઓ ફક્ત ઘરકામ જ નહીં બધી જ જાતના કામ કરી શકે છે.
લક્ષ્મીબેન ગાભુભાઈ વણકર કે જેઓ ભૂજોડી ગામના સરપંચ પણ છે અને સાથે સાથે હાથ વણાટ કામ સાથે જોડાયેલા પણ છે, ન માત્ર જોડાયેલા છે પરંતુ અનેક વાર તેઓને એવોર્ડ પણ મળેલા છે, ઉપરાંત 2007માં તેમને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. તેઓ જણાવે છે કે સમાજના બે મુખ્ય પાયાઓ છે- મહિલા અને પુરુષ. જો બંને એકસમાન સ્તરે ચાલશે તો જ આજના જમાનામાં ચાલી શકશે. જો મહિલાઓ પુરુષોના ખભાથી ખભો મિલાવીને ચાલશે તો જ મહિલાઓ સારી રીતે જીવન પસાર કરી શક્શે.
રાધાબેન જે કળા કરે છે તેમાં જો એક પણ તાણાની ભૂલ થાય તો આખો આર્ટનું મેટીયલ વેસ્ટ જાય છે. તેમનું કામ મેઘવાળ કોમ્યુનિટીનું છે અને તેઓ 1971ના યુધ્ધમાં પાકિસ્તાનથી અહીં આવ્યા હતા. તેઓ જે કળા સાથે સંકળાયેલા છે તે માત્ર કચ્છના 4 સ્થળના લોકો જ કરી શકે છે જેમાં સુમરાસર, ફરાદી, થરાદ અને બરાયાંના લોકો જ આ કામ કરી શકે છે. તેઓને આજે મહિલા તરીકે આટલા આગળ વધ્યા તે બદલ પોતાના પર ગૌરવ છે.
કચ્છની હસ્તકળાઓમાં હંમેશા પુરુષોએ પ્રભુત્વ ધરાવ્યું છે પણ લોકોની નજરોથી દૂર આવી અનેક મહિલાઓ પોતાના સપના અને લગનને હસ્તકળાનાં સ્વરૂપે પાથરે છે. માટે જ એ કહેવું અતિશયોક્તિ નથી કે જો કચ્છની હસ્તકળાને મહિલાઓનું યોગદાન ન મળ્યું હોત તો આજે કચ્છની હસ્તકળા વિશ્વ ફલક પર ન પહોંચી હોત.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર