કચ્છ: સમગ્ર રાજ્યમાં વીજ ચોરીનો ત્રાસ વધ્યો છે. આ ત્રાસ એટલી હદે વધ્યું કે સરકારને વીજતંત્રના અલગ પોલીસ સ્ટેશન બનાવવાની ફરજ પડી હતી. જો કે વીજ ચોરી કરી વીજ ખર્ચ પાછળ પોતાના પૈસા બચાવનાર લોકો હજુ પણ બેફામ છે. પણ તંત્ર દ્વારા આવા અનેક લોકોને વખતોવખત પકડી દંડ ફટકારવામાં આવે છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પોલીસ સ્ટેશન તેમજ ઉચ્ચ વીજ અધિકારીઓ દ્વારા રવિવાર રાત અને સોમવારની પરોઢ વચ્ચે કચ્છમાં વિવિધ સ્થળો પર દરોડા મારી કુલ રૂ. 2.90 કરોડની વીજ ચોરી પકડી પાડી હતી. દરોડામાં ભચાઉ, માંડવી, મુન્દ્રા, નલિયા અને ખાવડા વિસ્તારના કુલ 6 એકમો પર ધાબો બોલાવવામાં આવ્યો હતો.
માંડવીના વાંઢમાં બેંટોનાઈટ ક્રશર પ્લાન્ટમાં રૂ. 1 કરોડની ચોરી પકડી પાડી હતી. પ્લાન્ટના માલિક ઉમેશભાઈ હરિલાલભાઈ સેંઘાણી વિરુદ્ધ આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સરખી જ વીજ ચોરી નલિયાના જખૌમાં અલવી આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ નામના પ્લાન્ટમાં પકડાઈ હતી. રૂ. 1 કરોડની વીજ ચોરીના ગુનામાં પ્લાન્ટના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. તો ભચાઉના બનિયારીમાં પણ મીઠાના અગાર માલિક લક્ષ્મણભાઈ અરજણભાઇ વાઘેલા વિરુદ્ધ રૂ. 40 લાખની વીજ ચોરી મુદ્દે ગુનો નોંધાયો છે. મુન્દ્રાના ફાચિયારીમાં પણ સ્ટોન માઈનમાં રૂ. 20 લાખની વીજ ચોરી પકડાઈ હતી અને માલિક મદનભાઈ રામભાઇ રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં સફેદ રણ પાસે આવેલ બે રિસોર્ટમાં પણ રૂ. 29.20 લાખની ચોરી થતી હોવાની વિગતો મળી છે. હાલ રણોત્સવ થકી પ્રવાસીઓની આવ વધી છે અને સ્થાનિક લોકોને વિવિધ પ્રકારની રોજગારી મળે છે. ત્યારે આ તકનો ખોટી રીતે લાભ ઉપાડી સિઝનમાં વધુ કમાઈ લેવાની લાલચ સાથે વીજ ચોરી કરતા બે રિસોર્ટ વીજ પોલીસના જાપ્તામાં આવી ગયા હતા.
બન્ની વિસ્તારમાં ગોરેવલીમાં આવેલ જી. કે. રિસોર્ટમાં તંત્ર દ્વારા રૂ. 25 લાખની વીજ ચોરી પકડાઈ હતી. સાથે જ વિસ્તારમાં રિસોર્ટ ચલાવતા ખજુરિયા સયા વિરુદ્ધ પણ રૂ. 4.20 લાખની વીજ ચોરીના મુદ્દે ગુનો નોંધ્યો છે. રણોત્સવ દરમ્યાન દેશ વિદેશથી પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે. પૂનમની ચાંદની રાતમાં સફેદ રણ પાસે રોકવાની ઈચ્છા બધાને થતી હોય છે પણ દરેક પ્રવાસીને રણોત્સવની ટેન્ટ સિટીના ભાડા પોસાયતેમ નથી ત્યારે સફેદ રણની આસપાસ આવેલા આવા રિસોર્ટ સસ્તા ભાડા સાથે પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ હોય છે. પણ પ્રવાસીઓને આકર્ષવા સસ્તા ભાડા ઉઘરાવતા આવા રિસોર્ટ વીજળીની ચોરી કરી સરકારને ચૂનો લગાડે છે.
આ મામલે રાજકોટ ઝોનના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના નાયબ પોલીસ અધિક્ષક (સલામતી) અને મુખ્ય તકેદારી અધિકારી દ્વારા જણાવાયું હતું કે આવનારા દિવસોમાં પી.જી.વી.સી.એલ.ના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના વીજ જોડાણોની તપાસ કામગીરી કરવામાં આવશે.