કચ્છ: કચ્છમાં નર્મદાના પાણીને લઈને ફરી એક વખત મંગળવારે ખેડૂતોની જનમેદની ઉમટી હતી. અંદાજે પાંચ હજારથી વધારે ખેડૂતો દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે જો 20 જાન્યુઆરી સુધી સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ત્યાર બાદ અચોક્કસ મુદ્દત સુધી ધરણાં અને કચ્છ બંધ કરવામાં આવશે. 2006માં રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને નર્મદાના એક-એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાની સૈધાંતિક મંજૂરી અપાઈ હતી. જો કે 15 વર્ષ થઈ ગયાં છતાં હજુ કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવાની વહીવટી મંજૂરી મળી નથી.
મંગળવારે જિલ્લામથક ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે અંદાજે પાંચ હજારથી વધારે ખેડૂતોએ મળી નર્મદાના પાણી માટે ધરણાં યોજ્યા હતા. આજના ધારણામાં અનેક સંસ્થા, સમાજો તેમજ વિવિધ ગ્રામ પંચાયતના સરપંચોએ આ ધરણાંને સમર્થન આપ્યું હતું. ભુજ સ્વામિનારાયણ મંદિર સાથે કચ્છ સાધુ સંત સમાજના આગેવાનો પણ આ ધરણામાં હાજર રહી સમર્થન આપ્યું હતું. આ મુદ્દે સાધુ સંતોએ નર્મદાને કચ્છનું પ્રાણ પ્રશ્ન હોવાનું જણાવ્યું હતું અને સાથે જ જરૂર પડ્યે ખેડૂતો સાથે સાધુ સંતો પણ પોતાના જીવનો બલિદાન આપવા તૈયાર રહેશે તેવી ખાતરી આપી હતી.
ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે કિસાન સંઘ દ્વારા છેલ્લા 22 મહિનામાં 18 વખત મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી, ધરણાં યોજી તેમજ રૂબરૂ મુલાકાત કરી નર્મદા મુદ્દે વ્યથા વ્યક્ત કરાઈ છે. "વિજય રૂપાણી બાદ નવા મંત્રી મંડળને પણ અને આ મુદ્દે રજૂઆત કરી છે પણ દર વખતે સરકાર પાસેથી એક જ જવાબ આવે છે કે કામ ચાલુ છે. મૌખિક સૂચનાઓ અનેક વખત આપવામાં આવી છે પણ આજ સુધી જમીની હકીકત પ્રમાણે કામ થયું નથી," તેવું શિવજીભાઈએ કહ્યું હતું.
ગત સોમવારે જ કચ્છ જિલ્લામાં નર્મદાના પાણી ઉપરાંત અનેક મુદ્દાઓ પર અનેક તાલુકાઓમાં ધરણાં યોજવામાં આવ્યા હતા અને આજે મંગળવારે ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાભરમાંથી ખેડૂતો ધરણાં કરવા પહોંચ્યા હતા. "નર્મદાનું પાણી એ હવે ફક્ત ખેડૂતોનો પ્રશ્ન નથી પણ સમગ્ર કચ્છના માનવીઓનું પ્રશ્ન છે. અમે જિલ્લાના સરહદીય તાલુકાઓના પ્રવાસ વખતે જાણ્યું છે કે લખપત અને અબડાસાના છેવાડાના ગામોમાંથી ખેડૂતો અને સામાન્ય લોકો પિયાઉ પાણી ન હોતાં નખત્રાણા તરફ સ્થળાંતર કરી રહ્યા છે," શિવજીભાઈએ કહ્યું હતું.
કિસાન સંઘ દ્વારા સરકારને 20 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો ત્યાં સુધી સરકાર તરફથી નર્મદાના પાણી મુદ્દે કોઈ યોગ્ય જાહેરાત નહીં થાય તો 21 તારીખથી કિસાન સંઘ દ્વારા અચોક્કસ મુદતના ધરણા, ધારાસભ્યો, સાંસદ અને રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર અને જરૂર પડ્યે કચ્છ બંધના એલાન સહિતના વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વધુમાં ઉમેરતાં શિવજીભાઈએ જણાવ્યું હતું કે, કચ્છને નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટ પાણી મળે તો 10 લાખ એકર જમીનને સિંચાઇનો ફાયદો થશે. આ ઉપરાંત આ પાણીથી કચ્છના તમામ નાની, મોટી, મધ્યમ સિંચાઇના ડેમો અને નાના-મોટા તળાવો છલકાય તેમ છે. આમ વધારાના પાણીથી સૂકા મૂલક તરીકે જાણીતો આ સરહદી જિલ્લો નંદનવનમાં ફેરવાઇ શકે તેમ છે. વર્ષ ૨૦૦૬માં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને એક એક મીલિયન એકર ફીટ પાણી આપવાની જાહેરાત કરાઇ હતી. આ પૈકી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના પૂર્ણ થઇ ગઇ છે અને સૌરાષ્ટ્ર માટે સૌની યોજના પૂર્ણતાના આરે છે. એકમાત્ર કચ્છને જ વધારાના પાણી ન ફાળવીને લાંબા સમયથી અન્યાય થઇ રહ્યો છે જેને હવે સાંખી નહીં લેવાય.
"ખેડૂતો અને લોકોના આ પ્રશ્નને સરકાર વાચા નહીં આપે તો આ એક જન આંદોલનમાં ફેરવાશે અને તેની અસર આવનારી વિધાનસભાની ચુંટણી પર પણ પડી શકે છે," તેવું શિવજીભાઇએ કહ્યું હતું.