કચ્છ: ભુજ તાલુકાના સુમરાપોર ગામના એક રહેવાસીઓને ચુંટણીમાં અન્ય ઉમેદવારને મત આપવાના મનદુઃખથી માર મારવામાં આવ્યાની ફરિયાદ નોંધાઇ છે. ધ્રોબાણા જૂથ ગ્રામ પંચાયતની ચુંટણીમાં અન્ય ઉમેદવારને મત આપવા બદલ રાતના ભાગે મતદારને તેના ખેતરમાં ધોકા વડે માર મારવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં ગત અઠવાડિયાથી ગ્રામ પંચાયતની ચુંટણીનો ગરમાવો જામ્યો હતો. પંચાયતના સરપંચ ઉમેદવારો પોતાના વિસ્તારના મતદારોને રીઝવવા અનેક પ્રયો કરી રહ્યા હતા. મત ગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થતાં અનેક ઉમેદવારોને હતાશા વેઠવી પડી હતી. કોઈએ પોતાની હારની જવાબદારી ઉપાડી આગલી ચુંટણીમાં વધુ મહેનત કરવાનો નિર્ણય લીધો હતો તો કોઈક ઉમેદવારો હાર સ્વીકારી ન શકતા અન્યો પર આરોપ ઠાલવતા થાય હતા.
ભુજ તાલુકાના ધ્રોબાણા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા સુમરાપોર ગામના એક 41 વર્ષીય વ્યક્તિને ચુંટણીમાં અન્ય ઉમેદવારને મત આપવાનો મનદુઃખ રાખી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ ખાવડા પોલીસ સ્ટેશને દાખલ થઈ હતી. ફરિયાદી મુજબ બુધવારે રાત્રે જ્યારે શકુર ઇબ્રાહિમ સુમરા પોતાના ખેતરે હતા ત્યારે એક શખ્સ તેમને ભેંસ વિશે પૂછવા આવ્યો હતો. તેના ગયા બાદ ધ્રોબાણા ગામના સાલે સિદિક ઉર્ફે જુડિયા સમા, જકરિયા મામદ્રીમ સમા અને હુશેનીવાંઢના ઇબ્રાહિમ સમાએ ફરિયાદી પાસે આવી કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર ધોકા વડે માર માર્યો હતો. બે લોકો દ્વારા ફરિયાદીને પકડી રાખવામાં આવ્યો હતો જ્યારે સિદીક સમાએ તેમની પીઠના ભાગે ધોકા વડે માર માર્યા હતા.
ફરિયાદીએ પોલીસને આપેલ એફ.આઇ.આર.માં જણાવ્યું હતું કે તેમને માર માર્યા બાદ બૂમો પાડતા ત્રણેય લોકોએ તેને આ બાબતે કોઈને પણ જાણ કરવાની મનાઈ કરી હતી અન્યથા ટેન્મને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. ફરિયાદીએ પોતાના સંબંધોને ફોન કર્યા બાદ તેમને પીઠના ભાગે અને હાથની નાની આંગળીમાં ઈજાઓ થઈ હોતાં હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસને આપેલી ફરિયાદમાં શકુર સુમરાએ જણાવ્યું હતું કે રવિવારે યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાનમાં પોતે ધ્રોબાણા ગામના અન્ય ઉમેદવારને મત આપવા મુદ્દે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ખાવડા પોલીસ આ મુદ્દે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 323, 294(બ), 506(2) અને 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર