કચ્છ: સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ કોરોના વિરોધી રસીનો પ્રિકોશનરી ડોઝ આજથી આપવાની શરૂઆત થઈ છે ત્યારે કચ્છમાં પણ આજથી આરોગ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર તેમજ વડીલોને આ ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઇ છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે દેશભરમાં ત્રીજી લહેરની દહેશત ફેલાવી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લાંબા સમયથી ચર્ચા કરાતા રસીના પ્રિકોશનરી ડોઝની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
કચ્છમાં પણ આજથી જિલ્લા આરોગ્ય તંત્રના કર્મચારીઓ, અન્ય ફ્રન્ટ લાઈન વર્કર તેમજ 60 વર્ષથી વધુ વયના લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 9 મહિના અગાઉ સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓ તેમજ વડીલોને રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી શરૂ થઈ હતી જેથી પ્રિકોશન ડોઝ માટે સૌપ્રથમ આ વર્ગ જ લાયકાત થયા છે. બીજા ડોઝના 9 મહિના બાદ લોકો પ્રિકોશન ડોઝ લઈ શકે છે.
જિલ્લામાં 10,804 આરોગ્ય કર્મચારીઓ, 9,009 ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધારે ઉંમરના 15,423 લોકોને કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા હતા. કુલ 35,236 લોકોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી જેમને હવે પ્રિકોશન ડોઝમાં પણ કોવિશિલ્ડ જ આપવામાં આવશે.
ત્યારે બીજી તરફ 15 આરોગ્ય કર્મચારીઓ અને 6,502 ફ્રન્ટ લાઈન વર્કરને કોવેકસીન રસી આપવામાં આવી હતી. જ્યારે કે 60થી વધુ વયના લોકોને કોવેક્સિન રસી આપવામાં આવી ન હતી, એ રીતે કુલ 6,517 લોકો હાલ પ્રિકોશન ડોઝમાં કોવેક્સિન રસી લેવા યોગ્ય છે. કચ્છમાં કુલ 41,753 લોકો હાલ પ્રિકોશન ડોઝ લેવા યોગ્યતા ધરાવે છે. આ માટે જિલ્લામાં હાલ 306 સેન્ટર પર પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા અધિક આરોગ્ય અધિકારી પ્રેમ કુમાર કન્નરે લોકોને પ્રિકોશન ડોઝ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે 60થી વધુ વયના લોકોને પ્રિકોશન ડોઝ લેવા પહેલા પોતાના પારિવારિક તબીબની સલાહ લઈ લેવી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર