કચ્છ : ભૂજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટપાલ ન પહોંચવાની અથવા સમયસર ન પહોંચવાની ફરિયાદો આવવાની શરૂ થઈ છે. શહેરના પ્રમુખસ્વામી નગર, મુન્દ્રા રેલોકેશન સાઈટ અને એરપોર્ટ રોડ નજીક આવેલા વિસ્તારોમાં ટપાલ ન પહોંચવાની ફરિયાદો આવી રહી છે. આરટીઓ, મહાવિદ્યાલયો, સરકારી દસ્તાવેજો, સરકારી પરીક્ષા અને નોકરીના વિવિધ દસ્તાવેજો પોસ્ટ મારફતે આવતા લોકોને હાલાકી થઈ રહી છે.
આ બાબતે પોસ્ટ ઓફિસના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, જરૂર પ્રમાણે ૨૫ ટપાલીની જગ્યાએ વિભાગ પાસે ફક્ત ૧૬ કાયમી કર્મચારી છે જેથી તેમને ગ્રામીણ ડાક સેવકોને કરાર પર નિયુક્ત કરવા પડે છે. હર ત્રણ મહિને આ ડાક સેવકોને નિવૃત્ત કરવાની ફરજ પડતાં, નવા ડાક સેવકોને વિસ્તારથી પરિચિત થતાં સમય લાગતો હોય છે. જ્યાં સુધી નવી ભરતી નહિ થાય ત્યાં સુધી આવી મુશ્કેલીઓ આવતી રહેશે.