કચ્છ: કચ્છના એક યુવા યોગાચાર્ય દ્વારા સૌથી વધારે સમય સુધી રોકાયા વિના તાળીઓ પાડવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તાળીઓ પાડી યોગનું પ્રચાર કરવા ઉપરાંત પોતાની જીવનસંગિનીને આ વર્લ્ડ રેકોર્ડ ભેટમાં આપ્યું છે.
કચ્છના યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળે તો કચ્છનું નામ વિશ્વસ્તરે ચમકાવી શકે છે. આ વાતને સાબિત કરી છે અંજારના એક યુવા યોગાચાર્યએ. કચ્છના અંજારમાં રહેતાં વિરલ આહિરે સતત ત્રણ કલાક અને દસ મિનિટ સુધી બંને હાથે કલેપીંગ કરી નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો.
વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થા સાથે નામ નોંધાવી સતત 3 કલાક અને 10 મિનિટ સુધી રોક્યા વગર બંને હાથે 33900 તાળી વગાડી વિશ્વનું પ્રથમ કીર્તિમાન સ્થાપિત કર્યું છે. અત્યાર સુધી વિશ્વભરમાં માત્ર 1 મિનિટમાં સૌથી વધારે તાળીઓ પાડવાનો રેકોર્ડ બનાવ્યો છે જ્યારે કે એટલા લાંબા સમય સુધી કોઈએ નોન સ્ટોપ તાળીઓ પાડવાનો રેકોર્ડ નોંધાવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે લોકોમાં યોગ પ્રત્યે જાગરૂકતા જગાવવા ઉપરાંત વિરલભાઈએ એક ખાસ કારણથી આ રેકોર્ડ બનાવ્યો છે. પોતાના જીવનસંગિની ખુશાલી, જે પોતે પણ યોગાચાર્ય છે, તેમને ભેટ સ્વરૂપે આપવા 15 ડિસેમ્બરના આ રેકોર્ડ નોંધાવ્યો છે. 15 ડિસેમ્બરના તેમની સગાઈને બે વર્ષ પૂર્ણ થતાં તે દિવસે આ રેકોર્ડ બનાવી ખુશાલીબેનને ભેટ આપી છે.
બાળપણથી જ યોગ પ્રત્યે પ્રેરાયેલા વિરલભાઈ છેલ્લા અનેક વર્ષોથી લોકોને યોગ શીખવાડે છે. વિરલભાઈએ જણાવ્યું હતું કે બાળપણમાં પેટમાં ગાંઠ હોતાં તબીબોએ હાથ ઊંચા કરી લીધા હતા પણ યોગ દ્વારા પોતાની ઈચ્છાશક્તિ અને મન મક્કમ કરી તંદુરસ્ત થયા હતા.
News18 સાથે ખાસ વાતચીત કરતા વિરલભાઈએ જણાવ્યું હતું કે અંજારમાં આ રેકોર્ડ બનાવવાનો પણ કારણ હતો પોતાની માતૃભૂમિ તરફનો પ્રેમ. "તાળીઓ પાડવી પણ યોગનું એક કરી છે. તાળીઓ પાડી શરીરનો એક્યુપ્રેશર થાય છે જે લોકો ઘરે બેઠા પણ કરી શકે કે. મારા આ રેકોર્ડ થકી વધુમાં વધુ લોકો યોગ કરવા તરફ પ્રેરાય તેવું હું ઈચ્છું છું," તેવું વિરલભાઈએ કહ્યું હતું. પોતાની આ સિદ્ધિને હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા માગે છે અને તે તરફ પ્રયાસો પણ શરૂ કર્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર