કચ્છ: હર વર્ષે તારીખ 6 ડિસેમ્બરના રોજ દેશભરમાં નાગરિક સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. પ્રજાની સેવા કરતા હોમગાર્ડ અને અન્ય નાગરિક સંરક્ષણ સેવાઓના સમ્માન તરીકે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ આ દિવસે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કચ્છના વિભાકર અંતાણીને આ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે આવેલ નાગરિક સંરક્ષણ કચેરી હોમગાર્ડ્ઝ ભવન ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં કચ્છના નાગરિક સંરક્ષણના ફાયર લીડર વિભાકર નટવરલાલ અંતાણીને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થયું હતું. અમદાવાદના લાલ દરવાજા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિભાકરભાઈને આ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તા તેમજ નાગરિક સંરક્ષણના સંયુક્ત નિયામક પણ હાજર રહ્યા હતા.
ભારત સરકાર દ્વારા હર વર્ષે હોમગાર્ડ અને અન્ય નાગરિક સંરક્ષક તરીકે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓને બહુમાનીત રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવે છે. ગત વર્ષે 26 જાન્યુઆરીના 75મા પ્રજાસત્તાક દિને થયેલ જાહેરાતમાં દેશભરમાંથી 47 કર્મચારીઓને હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ મેડલની જાહેરાત કરવામાં આવી હતી. આ લાભાર્થીઓમાં ગુજરાતના કુલ 7 જેમાં કચ્છ ભુજના વિભકરભાઈનો નામ પણ શામેલ હતો.
નાગરિક સંરક્ષણમાં જોડાયા અગાઉ વિભકરભાઈએ અનેક સેવાઓ કરેલી છે. કંડલા પોર્ટ ખાતે વિભાકરભાઈ ફાયરમેન તરીકે ફરજ બજાવતા હતા. શિક્ષક બનવાની ઈચ્છા સાથે ભુજ આવ્યા પણ રોજંદાર તરીકે ભુજની સરકારી પોલીટેકનિક કોલેજમાં જોડાયા. જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કર્યા બાદ પોલિટેકનિક ખાતે જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા અને બઢતી બાદ સિનિયર ક્લાર્ક તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત અનેક સંસ્થાઓ સાથે સંકળાઇ બાળકો માટે સંસ્કૃત, હિન્દી, ગાંધી વિચારો અને ગીતા જેવા વિષયોની પરીક્ષાઓની યોજના કરે છે.
News18 સાથે ખાસ વાતચીતમાં વિભાકરભાઈએ જણાવ્યું હતું કે તેમની 40 વર્ષની સેવાઓની મહેનતનો ફળ તેમને રાષ્ટ્રપતિ મેડલ તરીકે મળ્યો છે. "યુવાનોએ નાગરિક સંરક્ષણ જેવી વિવિધ સેવાઓમાં જોડાઈ દેશની સેવા કરવાની તક ઉઠાવવી જોઈએ. આ રીતે તેમને દેશની સેવા સાથે એક સારા ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે," વિભાકરભાઈએ જણાવ્યું હતું.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર