કચ્છ: જિલ્લામાં હાલ એક ખેડૂત અને સરકારી કર્મચારી વચ્ચે ની ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. ખેડૂતોએ વીજળી ન મળવાના મુદ્દે પીજીવીસીએલના ઇજનેરને ફોન કરતા બોલાચાલી બાદ ઇજનેર તરફથી ખેડૂતને ગાળ આપવામાં આવી હતી તેવી ઓડિયો ક્લિપ હાલ વોટસએપ પર વાયરલ થઈ રહી છે.
ઘટનાની હકીકત એવી છે કે ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ખેડૂતોને ગત શનિવાર 11 ડિસેમ્બરથી વીજળી મળી ન હતી. સોમવારે 13 તારીખ સુધી વીજળી ન મળતાં ખેડૂતોએ વીજ પુરવઠો બંધ હોવાનું કારણ પૂછવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) ના કર્મચારીઓને ફોન કરવામાં આવ્યા હતા. પીજીવીસીએલ ના કર્મચારીઓએ થાંભલો પડી ગયો, વીજ તાર તૂટી ગયા તેમજ કર્મચારીઓ બોર્ડર પર ડ્યુટી કરવા ગયા છે તેવા કારણ અપાયા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો હતો.
બાદમાં ખેડૂતોએ પીજીવીસીએલના ખાવડા કચેરીના જુનિયર ઇજનેરને ફોન કરતાં ઉપરથી પુરવઠો બંધ છે તેવું કારણ આપવામાં આવ્યું હતું. વાયરલ ઓડિયો ક્લિપમાં ખેડૂત દ્વારા આક્રોશમાં આવી ઇજનેરને કામ ન થતું હોય તો નોકરી મૂકી દેવી તેવી વાતો સંભળાવવામાં આવી હતી. ત્રણ મિનિટ સુધી બન્ને લોકો વચ્ચે બોલાચાલી બાદ ઇજનેર દ્વારા ખેડૂતને ગાળ આપતા સંભળાય છે. જો કે ઇજનેર દ્વારા વપરાયેલ અભદ્ર શબ્દ બાદ ઓડિયો ક્લિપ અડધેથી કપાઈ ગયેલી છે.
રવિયરા ગામના શકુર મામદ સમાએ કહ્યું હતું કે ત્રણ દિવસથી વીજળી ન મળતાં તેમણે કર્મચારીઓ અને અધિકારીને ફોન કર્યા હતા જેમાં તેમને યોગ્ય જવાબ મળ્યા ન હતા. "સાહેબને ફોન કર્યો તો તેમણે વારંવાર ફોન કરવાની ના પાડતા કહ્યું કે અમારા મીટર કાપી નાખવામાં આવશે. અમે કાયદેસર મીટર થકી વીજળીનો ઉપયોગ કરતા હોવાથી અમે આ વાતનો વિરોધ કર્યો તો તેમણે એમને ગાળો આપી હતી," તેવું શકુરભાઈએ જણાવ્યું હતું.
News18 દ્વારા જુનિયર ઇજનેર સુરેશ ગામીત સાથે સંપર્ક કરાતા તેમણે પોતાના બચાવમાં કહ્યું હતું કે વાયરલ ઓડિયો ક્લિપ સંપૂર્ણ હકીકત પ્રકાશિત કરતું નથી. "અમને ખેડૂતો તરફથી ત્રણ વખત ફોન કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ વીજળી ન મળવાના મુદ્દે અસભ્ય ભાષામાં અમારી સાથે વાત કરી હતી. પહેલાંના એક ફોન પર ખેડૂતોએ અમારા કર્મચારીઓને ગાળો બોલી હતી પણ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તે તેના બાદના ફોનની છે," તેવું સુરેશભાઈએ જણાવ્યું.
જો કે વાયરલ ઓડિયો ક્લિપની વાત કરીએ તો તે ક્લિપમાં ત્રણ મિનિટ સુધી બોલાચાલી બાદ ઇજનેર તરફથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે. સરકારી કર્મચારી દ્વારા વપરાયેલ અભદ્ર ભાષાની આ સમગ્ર ઘટનામાં ખેડૂતોને ત્રણ દિવસ સુધી વિજળી મળી ન હતી તે હકીકત રહે છે.