કચ્છ: કચ્છના રાપર તાલુકામાં પોલીસે પતંગના ધંધાર્થીઓ પાસેથી ચાઇનીઝ દોર પકડી પાડી હતી. લારી પર પતંગ અને ફીરકી વેંચતા બે ધંધાર્થીઓ પાસેથી 25 રિલ ચાઇનીઝ દોરની ફીરકી જપ્ત કરી હતી અને સાથે જ અમદાવાદથી જે ધંધાર્થી પાસેથી મંગાવેલ હતી તે ધંધાર્થી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધી છે.
ઉત્તરાયણ પર્વને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લામાં ઠેર ઠેર પતંગ અને ફિરકીનું વેચાણ શરૂ થયું છે. જિલ્લાના મુખ્ય શહેરોમાં આવા પતંગ ફિરકીના ઢગલાબંધ વેપારીઓ નાના નાના સ્ટોલ વ્યવસાય કરી રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી જિલ્લા તંત્ર દ્વારા ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરાની ફીરકીનું વેંચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
રાપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમી મુજબ સેલારી નાકા પાસે કુમકુમ કટલરી નામની દુકાનમાં પતંગ દોરા વેંચતા શખ્સ પાસેથી ચાઇનીઝ દોરના માંજા પકડી પાડયા હતા. પોલીસને 21 વર્ષીય દેવ મેઘાભાઈ રાઠોડ અને 42 વર્ષીય મૂળજી પરબત પટેલ પાસેથી બે થેલામાંથી અલગ અલગ બોક્સમાં રખાયેલી ચાઇનીઝ દોરાની 25 રીલ મળી આવી હતી.
પોલીસને પ્લાસ્ટિકના દોરાથી બનેલી મોનો સ્કાય નામની કંપનીની 15 રીલ તેમજ મોનો સ્કાય નિન્જા નામની કંપનીની 10 રીલ મળી આવી હતી. પોલીસે આ ફીરકી મેળવવા મુદ્દે પ્રશ્ન કરતા ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે અમદાવાદના બાપુનગરના આલોકભાઈ ગીદીભાઈ અગ્રવાલ પાસેથી તેમણે વેચાણ અર્થે આ ફિરકીઓ ખરીદી હતી. પોલીસે અમદાવાદના આલોકભાઈ વિરુદ્ધ પણ ઇન્ડિયન પીનલ કોડ અને ગુજરાત પોલીસ એકટ મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.
"કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે ચાઈનીઝ દોરા તેમજ ચાઈનીઝ ગુબ્બારાનું વેચાણ કરતા હોય અને આ ચાઈનીઝ દોરી જે એન્થેટીક દોરી, નાયલોન તથા ચાઇનીઝ પ્લાસ્ટીકથી બનેલી હોય છે. આ દોરીને ઉપયોગમાં લેવાના કારણે ગંભીર અકસ્માત તથા જાનમાલને નુકશાન થવાનો સંભવ રહેતો હોય તેમજ પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઈનીઝ દોરા તેમજ પ્લાસ્ટીક દોરાનો ઉપયોગ કરતા હોય જેથી શરીર ઉપર ઘસાતા મહાવ્યથા તેમજ મૃત્યુ પણ નિપજેલ હોવાના ભુતકાળમા બનાવો પણ બનેલ છે.
જેથી આવા દોરા ઉપયોગ કરવાથી થી કચરો ઉત્પિત થાય છે જે પર્યાવરણ ને હાનીકારક છે. તેમજ આ પ્રકાર ના દોરાઓ ઇલેકટ્રીક વાયર ચાલુ પ્રવાહ ઉપર પડવાથી નુકશાન થતુ હોય તેમજ તેને અડકવાથી મૃત્યુ પણ થતુ હોય છે," તેવું એક પોલીસ કર્મીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લા કલેકટર દ્વારા ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, ચાઇનીઝ દોરા વગેરે વસ્તુઓના વપરાશ તેમજ વેંચાણ પર 25 જાન્યુઆરી સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર