Home /News /kutchh-saurastra /

કચ્છ : સૌથી મોટી લોકસભા બેઠક, 1991 બાદ આ બેઠક પર BJPનો કબજો!

કચ્છ : સૌથી મોટી લોકસભા બેઠક, 1991 બાદ આ બેઠક પર BJPનો કબજો!

ન્યૂઝ18 ક્રિએટિવ

કચ્છ બેઠક પર છેલ્લે ૧૯૯૧માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યાર બાદથી આજ સુધી ભાજપના ઉમેદવારો જ વિજેતા બનતા આવ્યા છે.

  ગુજરાતની લોકસભા બેઠકોમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી અને પ્રથમ ક્રમાંકિત કચ્છની બેઠક લગભગ અઢી દસકા જેટલા સમયથી ભાજપનો ગઢ રહી છે. જો કે ત્રણ-ચાર વર્ષથી બદલાતા સમીકરણો પર નજર કરવામાં આવે તો ભાજપને અહી મોટો ફટકો પડયો છે. ખાસ કરીને ર૦૧૪ની લોકસભા ચૂંટણી અને ર૦૧૭ની વિધાનસભા ચૂંટણીની સરખામણી કરવામાં આવે તો ભાજપને આ બેઠક પર કુલ ર.ર૮ લાખ મતદારોનું નુકશાન થયું હોવાનું આંકડાઓ પરથી બહાર આવે છે. આટલા મતો કોઈ પણ ઉમેદવારની હાર-જીત માટે પુરતા છે.

  કચ્છ બેઠક પર છેલ્લે ૧૯૯૧માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યાર બાદથી આજ સુધી ભાજપના ઉમેદવારો જ વિજેતા બનતા આવ્યા છે. પોલિટિકલ પંડિતોનું માનીયે તો કચ્છની બેઠક જીતવી આ વખતે ભાજપ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. ભાજપમાં વકરેલો આંતરિક જૂથવાદ, સેક્સકાંડ, ભાનુશાળી હત્યા પ્રકરણ વગેરે બાબતો ભાજપને આ વખતે નડી શકે છે.

  આ ઉપરાંત હાલ કચ્છમાં અછતની સ્થિતિમાં પ્રજાને મદદરૂપ થવામાં સત્તા અને તંત્ર ટૂંકા પડયા છે. જેની સીધી અસર ચૂંટણીમાં જોવા મળશે. વર્ષ ર૦૧૭ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતા મોરબી, માંડવી અને અંજારની બેઠકો પર તો કોંગ્રેસ માટે જાણે કે 'અચ્છે દિન' આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલની સ્થિતિ જોતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે આ ચૂંટણી કાંટે કી ટક્કર સમાન બની રહેશે. કોઈ પક્ષનું પલડુ અત્યારે ભારે નથી. ભાજપમાં જુથવાદના કારણે કાર્યકરો નારાજ છે, તો કોંગ્રેસમાં કાર્યકરોને એક તાંતણે બાંધી શકે તેવા આગેવાનનો અભાવ વર્તાય છે.

  શું છે મુખ્ય સમસ્યાઓ?

  કચ્છનું જખૌ બંદર માછીમારી માટે આખા ગુજરાત અને ભારતમાં પ્રસિદ્ધ હોવા છતાં અહી માછીમારો માટે પુરતી સુવિધા નથી. બહારથી આવતા માછીમારોને રહેવા માટે કે માછલીઓના સંગ્રહ માટેની વ્યવસ્થા નથી. કંડલા બંદરના કર્મચારીઓને લગતા અને વિકાસના પ્રશ્નો ઘણા સમયથી અદ્ધરતાલ છે.

  કચ્છની પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદની સલામતી અને અહીથી થતી ઘુસણખોરી ચિંતાનો મોટો વિષય છે. કચ્છના સરહદી વિસ્તારોના ગામડાઓમાં ઘણા પાકિસ્તાની ઘુસણખોરો રહે છે. કચ્છને મળેલી લાંબા અંતરની મોટાભાગની ટ્રેનો ગાંધીધામ સુધી આવે છે. જ્યારે જિલ્લા મથક ભુજની સતત અવગણના થઈ રહી છે. વળી ભુજથી નલિયા સુધીની બ્રોડગેઈજ લાઈન રૂપાંતરણનું કામ પણ ઠપ થઈ ગયું છે. નેશનલ હાઈવે માર્ગોની હાલત અત્યંત દયનિય છે. ભુજોડી ઓવરબ્રીજનો પ્રશ્ન લોકો માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે.

  નર્મદાના પાણી મામલે સૌથી વધુ અન્યાય કચ્છ સહન કરી રહ્યો છે. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે કોઈ નવા જળસ્ત્રોતના આયોજનો કરવામાં આવ્યા નથી. કચ્છમાં આવેલું એશિયાનું જાણીતુ બન્નીનું ઘાસિયુ મેદાન ઉજ્જડ વેરાન બની ગયું છે. ભૂમાફિયા તત્વોએ આ મેદાનની ઘોર ખોદી નાખી નાંખી છે.- કેન્દ્ર સરકારને લગતા અનેક નાના-મોટા પ્રશ્નો કચ્છ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, માછીમારો, ઉદ્યોગકારો, વેપારીઓ અને સામાન્ય પ્રજાજનોને સતાવી રહ્યા છે. દિવસેને દિવસે જેટલા પ્રશ્નો બહાર આવી રહ્યા છે, તેની સામે જૂના પ્રશ્નો ઉકેલાતા નથી.

  જાતિગત સમીકરણો:

  આ બેઠક ઉપર ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, વણિક, લોહાણા અને અન્ય જાતિઓના લોકો વસે છે. ક્ષત્રિય અને દલિત મતદાતાઓ પ્રભાવી છે.  સાંસદનું રિપોર્ટ કાર્ડ

  સાંસદ વિનોદ ચાવડાએ સંસદમાં ૮૪ ટકા હાજરી આપી છે. પાંચ વર્ષમાં કુલ રર૭ પ્રશ્નો પૂછ્યા છે. ૭ વખત સાંસદમાં ચાલતી ચર્ચામાં ભાગ લીધો છે. દરેક સાંસદને તેના મત વિસ્તારમાં વિકાસ કાર્યો માટે પાંચ વર્ષની ટર્મમાં રૂ.રપ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપે છે. કચ્છના સાંસદે કુલ ૩૦.૭૭ કરોડના કામની ભલામણ કરી હતી. જેમાંથી સરકારે ર૬.ર૯ કરોડના કામ મંજૂર કર્યા હતા. અત્યાર સુધીમાં ર૦.ર૪ કરોડની ગ્રાન્ટ વપરાઈ પણ ગઈ છે.

  કોની વચ્ચે છે જંગ?

  આ બેઠક માટે ભાજપાએ રિપીટ થિયરી આપનાવીને વિનોદ ચાવડાને પુનઃ ટિકિટ આપી છે, જયારે સામે પક્ષે કોંગ્રેસ નરેશ મહેશ્વરીને ઉભા રાખ્યા છે

  અનુમાન :

  છેલ્લા કેટલાય સમયથી વિવિધ રીતે વિવિદોમાં રહેલી આ બેઠક ઉપર ભાજપ માટે કપરા ચઢાણ તો છે જ પરંતુ યુવા સાંસદ હોવાના નાતે વિનોદ ચાવડાને પુનઃ તક મળી જાય તો નવાઈ નહિ!
  Published by:kiran mehta
  First published:

  Tags: Kutch, Lok sabha election 2019, કોંગ્રેસ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन