કચ્છમાં અછત રાહત ચાલતા ઢોરવાડામાં પણ ગેરરિતી બહાર આવી

News18 Gujarati
Updated: May 2, 2019, 5:35 PM IST
કચ્છમાં અછત રાહત ચાલતા ઢોરવાડામાં પણ ગેરરિતી બહાર આવી
પ્રતિકાત્મક તસવીર

વંગ મધ્યેનો હાજીપીર ગૌશાળા અને પાંજરાપોળ ટ્રસ્ટ, ભગાડીયા સંચાલિત ઢોરવાડો રદ્દ કરવાના હુકમ થયો.

  • Share this:
ભુજ: કચ્છમાં અછતની પરિસ્થિતિ ટાંકણે હવે ઢોરવાડા ખોલાઇ ચૂક્યા છે, ત્યારે તંત્ર દ્વારા કેટલ કેમ્પ તપાસ માટે કાર્યરત બે ફલાઇંગ સ્કવોડની કાર્યવાહીને અંતે ચાર ઢોરવાડાની ગત ૨૯મી એપ્રિલે સુનાવણી હાથ ધરાતાં તેમાં ચારેય ઢોરવાડા સંચાલકોની સામે ગેરરીતિ સબબ જિલ્લા કલેકટર રેમ્યા મોહને એક ઢોરવાડાને બંધ કરવા સહિત બે ઢોરવાડામાં ઓછાં પશુઓ જણાતાં તેઓની  સબસીડી કાપવાનો હુકમો કરાયાં સાથે વેકરા ખાતેના ઢોરવાડાની સબસીડી હુકમની શરતો પરિપૂર્ણ થયા બાદ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ઢોરવાડા ગેરરીતિ સુનાવણીમાં ચાર ઢોરવાડા સંચાલકો  વિરૂધ્ધ તંત્રની કામગીરીની સાથે કચ્છને વલસાડથી નવી ૭૫ લાખ કીલો ઘાસની મહત્વની ફાળવણી થઇ હોવાનું અછત શાખા દ્વારા જણાવાયું હતું.

જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગઇકાલે એક સાથે ચાર ઢોરવાડાની ગેરરીતિની વિરૂધ્ધ સુનાવણીના આદેશ જારી કર્યાં છે, જેમાં વંગ મધ્યેનો હાજીપીર ગૌશાળા અને પાંજરાપોળ ટ્રસ્ટ, ભગાડીયા તા. ભુજ સંચાલિત મુ. વંગ તા. નખત્રાણા મધ્યેનો ઢોરવાડો રદ્દ કરવાના હુકમનો સમાવેશ થાય છે.

જયારે વેકરા મુકામે વેકરા ગૌરક્ષણ ટ્રસ્ટ, વેકરા તા. માંડવી સંચાલિત મુ. વેકરા તા. માંડવી મધ્યે કાર્યરત ઢોરવાડાના સંચાલકને હુકમની શરતો પરિપૂર્ણ થયા બાદ સબસીડી આપવાનો ગઇ કાલે હુકમો કરાયાં છે.

નવાનગર, કોટડા(જ) તા. નખત્રાણા ખાતે ઇમરાન એજયુકેશન- મેડીકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઢોરવાડામાં ૧૯ પશુઓની ઘટ અને સરદાર વિકાસ ટ્રસ્ટ, ધ્રોબાણા તા. ભુજ સંચાલિત હુશેનીવાંઢ, ધ્રોબાણા તા. ભુજ ખાતેના ઢોરવાડામાં ૧૦ પશુઓની ઘટ જણાઇ આવતાં એટલાં જ પશુઓની સબસીડી કપાત કરી બાકીની સબસીડી ચૂકવવા જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગઇ કાલે હુકમો કરાયાં છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના પશુધનના વ્યવસ્થિત નિભાવ માટે આગળ આવેલી માન્ય સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા કેટલ કેમ્પોની દેખરેખ રાખવા બે ફલાઇંગ સ્કવોડની રચના કરાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીની રાહબરી હેઠળ મામલતદાર સહિત વન વિભાગનો સમાવેશ કરીને કચ્છમાં ૪૬૫ કેટલ કેમ્પોની અવાર-નવાર આકસ્મિક તપાસણી કરાવાય છે અને ઢોરવાડાના સંચાલનમાં જિલ્લા કલેકટરનાં મંજૂરી હુકમની શરતોનો સંબંધિત સંસ્થાઓ દ્વારા કયાંય કોઇ ભંગ કરી ગેરરીતિ આચરાયેલ હોવાનું માલૂમ પડે તો તેની સામે ઢોરવાડો રદ્દ કરવા સહિતની વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરાઇ રહી છે.
First published: May 2, 2019, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading