કચ્છ: પશ્ચિમ કચ્છના (West Kutch) કોઠારામાં (Kothara) બુધવાર રાત્રે એક બેજવાબદાર બાઈક ચાલકના કારણે આધેડ વયના પોલીસ કર્મચારીનો મૃત્યુ (Kutch policemen accident) નિપજતા કચ્છ પોલીસ (Kutch Police) બેડામાં અરેરાટી ફેલાઈ છે. રાતના સમયે વાહન ચેકીંગમાં (Vehicle checking) ફરજ બજાવી રહેલા પોલીસકર્મીએ એક બાઈક ચાલકને ઉભુ રાખવાનું કહ્યા છતાં બાઇકચાલકે પોતાનું વાહન ઉભુ રાખવાને બદલે પૂરઝડપે દોડાવી હતી અને તેને રોકવાની કોશિશ કરતા પોલીસકર્મી ફંગોળાઈને રસ્તા પર પડ્યા હતા.
મળતી માહિતી મુજબ કોઠારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ જયંતીભાઈ પ્રજાપતિ, પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ જોઇતાભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ મંજુલાબેન ભગુભાઈ ગાંગલ, જી.આર.ડી. સભ્ય ભાવેશભાઈ રમેશભાઈ ચંદે અને પોલીસ ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ગોપાલભાઈ ફુલીયા વાહન ચેકીંગ માટે તૂતરા ચેકપોસ્ટ પર ફરજ પર હતા.
રાત્રે 11.30 વાગ્યે તૂતરા ચેકપોસ્ટ પર ફરજ બજાવવા પહોંચેલા જવાનોએ માંડવી તેમજ નલિયા તરફથી આવતા વાહનોનું ચેકીંગ શરૂ કર્યું હતું. રાત્રે 1.30 વાગ્યે ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ અલગ અલગ જગ્યાઓ પર ઊભા રહી વાહનોની ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે માંડવી તરફથી ડબલ સવારીમાં આવી રહેલી એક મોટરસાયકલને હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈએ ઠોભવા હાથ દેખાડ્યું હતું. પણ મોટરસાયકલ ઊભી રાખવાને બદલે ચાલકે મોટરસાયકલ દોડાવી પોલીસથી બચવા પ્રયાસ કર્યો હતો.
સ્થળ પર હાજર પ્રવીણભાઈએ મોટરસાયકલને ઉભી રાખવા માટે પોતાના બંને હાથથી મોટરસાયકલના કેરિયરને બન્ને હાથેથી પકડીને બાઈક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસથી બચવા માગતા બાઇકચાલકે બાઈકને દોડાવી હતી જેથી પ્રવીણભાઈ બાઈકની સાથે ઢસડાઈ રસ્તા પર પડ્યા હતા અને માથાના પાછળના ભાગે તેમજ ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બેદરકારીથી બાઈક હંકારી પોલીસકર્મીને ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ બાઈકસવારો અંધારાનો લાભ ઉપાડી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીને નલિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તબીબ દ્વારા મૃત જાહેર કરાયા બાદ પોલીસકર્મીની લાશ તેમના ભાઈ મોહનભાઈ ગોપાલભાઈ ફુલીયાને સોંપાઈ હતી. આ મુદ્દે કોઠારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 279 અને 304 ઉપરાંત મોટર વહિકલ એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો દાખલ કરાયો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર