ભુજમાં કપડાં ઉતારી માસિકધર્મની તપાસ : કૉલેજના મહિલા પ્રિન્સિપાલ સહિત ચારની ધરપકડ

News18 Gujarati
Updated: February 17, 2020, 4:36 PM IST
ભુજમાં કપડાં ઉતારી માસિકધર્મની તપાસ : કૉલેજના મહિલા પ્રિન્સિપાલ સહિત ચારની ધરપકડ
વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો હતો.

માસિકધર્મ અંગે તપાસ કરવા મામલે સોમવારે પોલીસે કૉલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીગા, અનિતાબેન, નઇનાબેન અને રમીલાબેનની ધરપકડ કરી છે.

  • Share this:
મેહુલ સોલંકી, ભુજ : કચ્છના ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છોકરીઓના કપડાં ઉતારીને માસિકધર્મ અંગે કરવામાં આવેલી તપાસ મામલે પોલીસે કૉલેજના પ્રિન્સિપાલ સહિત ચારની ધરપકડ કરી છે. આ મામલે છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ કૉલેજની વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે ભુજની કૉલેજની ઘટનાને ખૂબ જ ગંભીર ગણાવી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

ચાર લોકોની ધરપકડ

ભુજની કૉલેજમાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરાવી માસિકધર્મ અંગે તપાસ કરવા મામલે સોમવારે પોલીસે કૉલેજના પ્રિન્સિપાલ રીટાબેન રાણીગા, અનિતાબેન, નઇનાબેન અને રમીલાબેનની ધરપકડ કરી છે. આ મામલે પીડિત છાત્રાએ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે કલમ 384, 355, 506, 509, 114 અંતર્ગત ગુનો નોંધીને ચારેયની ધરપકડ કરી છે.

રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પૂછપરછ કરી

આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના ડૉ. રાજુલબેન દેસાઇ સહિતની ટીમે છેલ્લા બે દિવસથી વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી તેમના નિવેદનો નોંધ્યા છે. સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે જણાવ્યું હતું કે, માસિકધર્મ દરમિયાન છાત્રાઓ સાથે થતાં શરમજનક વર્તનમાં ફેરફાર કરવાની ટ્રસ્ટીઓને સૂચના આપવામાં આવી છે.

ટ્રસ્ટીઓએ પણ ખાતરી આપી કે માસિકધર્મ દરમિયાન છાત્રાને અલગ રાખવી તેમજ હોસ્ટેલમાં છાત્રાઓ સાથે થતી શરમજનક હરકતો અંગે ફેરફાર કરવામાં આવશે. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ રહી હતી.

શું બન્યું હતું?

ગત અઠવાડિયે ભુજમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓને ચાલુ ક્લાસમાં બહાર કાઢીને તેમના માસિકધર્મની તપાસ કરવામાં આવી હતી. આ માટે એક પછી એક વિદ્યાર્થિનીઓને વોશરૂમમાં બોલાવવામાં આવી હતી અને તેમના કપડાં ઉતરાવીને તપાસ કરવામાં આવી હતી. કૉલેજ પાછળ આવેલી હોસ્ટેલમાંથી એવો ફોન આવ્યો હતો કે કૉલેજમાં અમુક વિદ્યાર્થિનીઓ માસિકધર્મમાં છે. આથી આ બાબતે તપાસ કરવામાં આવે. આ બનાવ બાદ વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો હતો અને સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ મામલે રાષ્ટ્રીય સ્તરે ચમક્યો હતો.
First published: February 17, 2020, 4:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading