કચ્છ: કચ્છમાં કાતિલ ઠંડીનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે નલિયામાં કોલ્ડ વેવની અસરથી પણ લોકોને રાહત મળી છે. આવનારા થોડા દિવસો સુધી જિલ્લાના તાપમાનમાં વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જિલ્લામાં બે અઠવાડિયા પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કોલ્ડ વેવની આગાહી બાદ જિલ્લામાં ઠેર ઠેર ઠંડીએ જોર જણાવ્યું છે. નલિયાનું ન્યુનતમ તાપમાન એક સાથે 10 ડિગ્રી નીચે આવ્યું હતું અને સિવિયર કોલ્ડ વેવના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. ત્યારબાદ ન્યુનત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો અને ઠંડીનો જોર સતત વધી રહ્યું છે.
સામાન્યપણે ઉત્તરાયણ બાદ જિલ્લામાં ઠંડીમાં ઘટાડો નોંધાતો હોય છે ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસથી જ જિલ્લાભરમાં ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામથક ભુજમાં ગઈકાલે રવિવારે ન્યુનત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું હતું જે સોમવારે 2.2 ડિગ્રી વધીને 12.8 ડિગ્રી થયું હતું.
બીજી તરફ કચ્છના સૌથી ઠંડા મથક નલિયામાં પણ ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે પણ ન્યુનત્તમ તાપમાન હજુ પણ સિંગલ ડિજિટમાં જ રહે છે. રવિવારે નલિયામાં નોંધાયેલ 5 ડિગ્રી બાદ સોમવારે 3.8 ડિગ્રી વધારો થતા ન્યુનત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું.
કંડલા પોર્ટ વિસ્તારમાં પણ ન્યુનત્તમ તાપમાનમાં આંશિક વધારો થતાં રવિવારે નોંધાયેલ 13 ડિગ્રીથી વધીને 13.6 ડિગ્રી પહોંચ્યું હતું. ત્યારે જ કંડલા એરપોર્ટ વિસ્તારમાં ન્યુનત્તમ તાપમાન 9.1 ડિગ્રીથી વધીને 11.2 ડિગ્રી નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં ન્યુનત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે જે કારણે લોકોને હાથ થીજાવતી ઠંડીથી થોડી રાહત મળશે. ભૂમધ્ય સાગરમાં હાલ સર્જાયેલ લો પ્રેશરના કારણે ફરીથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાયો છે અને થોડા દિવસો બાદ તે ઉત્તર ભારત તરફ પહોંચતા તેની અસર ઠંડીના રૂપમાં કચ્છભરમાં વર્તાશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર