Home /News /kutchh-saurastra /

ધમડકા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નહેરનું કામ અટકાવવાની માંગ અંજાર કોર્ટે ફગાવી

ધમડકા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નહેરનું કામ અટકાવવાની માંગ અંજાર કોર્ટે ફગાવી

નર્મદા કેનાલની પ્રતિકાત્મક તસવીર

ધમડકા ગામની સીમમાંથી નીકળતી નર્મદા નહેરના બાંધકામ પર લોકોની સુખાકારી માટેનું કામ ગણી સ્ટે લગાવવાની અરજી કોર્ટે ફગાવી.

    સમગ્ર રાજ્યમાં આ વર્ષે વરસાદ (Rain) પાછો ખેંચાયો છે ત્યારે કચ્છ (Kutch)  પર તેની સૌથી માઠી અસર થઇ છે. આવા કપરા સમયે હર વખતે વર્ષોથી ચાલી આવતી નર્મદા (Narmada)  નહેરની માંગ વેગ પકડે છે. આ વચ્ચે અંજારની (anjar) અદાલતે ધમડકા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા નહેર પર સ્ટેની અરજી નકારી છે. દુધઈ પેરા શાખામાં ધમડકા ગામની સીમમાંથી પસાર કરવા નર્મદા નહેરનું બાંધકામ શરૂ થયું છે. આ વિસ્તારના અમુક ખેડૂતોએ તેમની માલિકીની જમીનમાંથી નર્મદા નહેર પસાર થાય છે એવા દાવા કર્યા છે અને તે મુદ્દે ખેડૂત ખાતેદારો પૈકી કિરીટસિંહ જાડેજાએ અરજી કરી સરદાર સરોવર નિગમ વિરુદ્ધ કોર્ટમાં મુદ્દો મૂક્યો હતો. આ બાંધકામ પર મનાઈ હુકમ ન આવે ત્યાં સુધી સ્ટે લગાવવા કોર્ટ સમક્ષ અરજી કરાઇ હતી જેને આજે અંજારના સિવિલ જજ રવિ એસ. ટહેલીયાણી સાહેબની કોર્ટે નકાર્યું હતું.

    આ મુદ્દે સરદાર સરોવર નિગમ તરફથી એડવોકેટ યોગેશ ભંડારકરે હાજર રહી આ સ્ટે ઓર્ડર વિરુદ્ધ વાંધો દર્શાવ્યો હતો. તેમણે દલીલ કરતા કહ્યું હતું કે ઘણા વખત બાદ કચ્છની જીવાદોરી સમાન નર્મદાની કેનાલનું કામ ચાલુ થયેલ છે અને તેને અટકાવવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી.

    ઉલ્લેખનીય છે કે પોતાની જમીન પરથી નહેર પસાર થવા પર સ્ટેની અરજી કરનાર પક્ષ દ્વારા સાંથણીમાં મળેલ જમીનની સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા માપણી કરી અને પંચો રૂબરૂ જમીનની સોંપણી કરવામાં આવેલ હોય તેવા કોઈ આધાર રજૂ કરાયા ન હતા. તે ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે જો અરજદાર પોતાને જમીન સાંથણીમાં મળ્યા હોવાનું પુરવાર કરી શકે તો સરકાર તરફથી વળતર મેળવવા હકદાર છે. કોર્ટે સ્ટે અરજી નકારતા કહ્યું હતું કે સરદાર સરોવર નર્મદા નિગમ સરકારનું સાહસ છે અને લોકોની સુખાકારી માટે કામ કરી રહેલ છે.

    સૂકા કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદાનું પાણી પહોંચે એ જિલ્લાના હરેક ખેડૂતનું લાંબાગાળાનું સપનું છે. આ રણ પ્રદેશ જિલ્લાને નર્મદાનું પાણી પહોંચાડવાની વાતો અનેક રાજકારણીઓએ વખતોવખત કરી છે પણ જે ગતિથી નર્મદાની નહેરનું કામ આગળ વધે છે તે આવા વાયદાઓને સાચા સાબિત કરતી નથી. રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ અને જમીન વિવાદ જેવી વિવિધ મુશ્કેલીઓ થકી નર્મદા કેનાલના કામ પર સમયાંતરે ગ્રહણ આવતા રહ્યા છેે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Kutch, Narmada, કેનાલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन