કચ્છ: હવે ત્રણ મહિનામાં 'ઊંટડીનું અમૂલ દૂધ' તમારા આંગણે

News18 Gujarati
Updated: July 26, 2018, 12:56 PM IST
કચ્છ: હવે ત્રણ મહિનામાં 'ઊંટડીનું અમૂલ દૂધ' તમારા આંગણે

  • Share this:
વિજયસિંહ પરમાર

છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોવાઇ રહી હતી તે ઊંટડીનું દૂધ હવે ત્રણ મહિનામાં માર્કેટમાં આવી જશે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી અથવા ‘સરહદ ડેરી’ દ્વારા ઊંટડીના દૂધના પ્રોસેસીંગ અને પેકેજીંગ માટેનો વિશેષ પ્લાન્ટ કચ્છનાં લાખોન્દ ખાતે બની રહ્યો છે. આગામી ત્રણ મહિનામાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે.

સરહદ ડેરીનાં ચેરમેન વલમજીભાઇ હુંબલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું, “ઊંટડીના દૂધ માટેનો વિશેષ પ્લાન્ટ ત્રણ મહિનામાં ચાલુ થઇ જશે. ઊંટડીના દૂધ માટેનો દેશનો આ સૌ પ્રથમ પ્લાન્ટ હશે. સૌ પ્રથમ અહીંથી દૂધનું પ્રોસેસીંગ અને પેકેજીંગ થશે અને આગામી વર્ષોમાં ઊંટડીના દૂધમાંથી અન્ય ચીજો પણ બનશે. આ એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 2017ના સપ્ટેમ્બરમાં અમે ઊંટડીના દૂધનું કલેક્શન શરૂ કર્યુ હતુ. હાલ, સરહદ ડેરી રોજ 1500 લીટર ઊંટડીનું દૂધ માલધારીઓ પાસેથી મેળવે છે અને તેને આંણદ ખાતેના અમૂલ પ્લાન્ટમાં મોકલે છે. આ ઊંટડીના દૂધમાંથી હાલ અમૂલ ચોકલેટ બને છે.”

“એક વખત ઊંટડીના દૂધ માટેનો પ્લાન્ટ શરૂ થતાની સાથે જ અમારુ ઊંટડીના દૂધનું કલેક્શન દરરોજ 5000 લીટર પહોંચી જશે. અને એ કલેક્શન સતત વધતું રહેશે.અમૂલ બ્રાન્ડ હેઠળ ઊંટડીનું દૂધ વેચાશે” વલમજીભાઇ હુંબલે માહિતી આપતા જણાવ્યું. સરહદ ડેરી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. (જી.સી.એમ.એમ.એફ)નો એક ભાગ છે. જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટો-વસ્તુઓ વેચે છે.રસપ્રદ વાત એ છે કે, એક સમયે કચ્છના ઊંટોનો માત્ર પરિવહન માટે જ ઉપયોગ થતો હતો. આ ઊંટોને રાખનારા માલધારીઓ તેનું દૂધ પીતા પણ તેના દૂધ માટે તેનું પાલન થતુ નહી પણ જ્યારથી સરહદ ડેરીએ ઊંટડીના દૂધનું કલેક્શન શરૂ કર્યુ છે ત્યારથી હવે માલધારીઓ માટે ઊંટડીનું દૂધએ મુખ્ય આવકનું સાધન બની ગયું છે.“અત્યાર સુંધી ઊંટડીના દૂધ માટે કોઇ સંગઠીત બજાર નહોતુ. તેની ખરીદી કરવાવાળુ કોઇ ચોક્કસ માર્કેટ નહોતું. એટલા માટે, માલધારીઓ આ ઊંટડીનું દૂધ ચા-વાળા, હોટેલવાળાઓને 20થી 25 રૂપિયે લીટર વેચતા હતા. પણ હવે સરહદ ડેરી એટલે કે અમૂલ તેમની પાસેથી દૂધ ખરીદે છે અને ડબલ પૈસા આપે છે. અમે ઊંટડીના દૂધના પ્રતિ લીટર 50 રૂપિયા ચૂકવીએ છીએ. આ ભાવના કારણે માલધારીઓને પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે અને એટલા માટે હવે માલધારીઓ ઊંટ રાખશે” વલમજીભાઇ હુંબલે જણાવ્યું.કચ્છી ઊંટોના સંવર્ધનના પ્રયાસો કરવા જતા અમૂલ સુધી પહોચ્યાં

જોકે, ઊંટડીનું દૂધ કચ્છના છેવાડાની માલધારી પાસેથી કઇ રીતે અમૂલ સુધી પહોંચ્યું તેની પાછળ એક એક લાંબી કહાણી છે.

“2007ની રાજ્યમાં પશુઓની ગણતરીમાં એ ધ્યાન પર આવ્યું કે, કચ્છના ઊંટો ઘટીને માત્ર 8,500 જેટલા જ બચ્યા છે. કચ્છી ઊંટ એક વિશેષ પ્રજાતિ છે. આ ઊંટની પ્રજાતિના સરંક્ષણ માટે અમે કામ શરૂ કર્યુ અને માલધારીઓને સંગઠીત કરવાનો પ્રયાસ કર્યો. કેમલ બ્રિડર્સ અસોશિએશનની રચના કરી. માલધારીઓ સાથેની વાતચીત પરથી ખ્યાલ આવ્યો કે, જો કચ્છનાં ઊંટોને બચાવવા હશે તો તેના દૂધનું માર્કેટ ઉભુ કરવુ પડશે. જો ઊંટડીના દૂધમાં આવક થશે તો માલધારીઓ ઊંટ રાખશે. આ પછી અમે સરહદ ડેરી અને સરકાર સાથે વાતચીત શરૂ કરી. તેમણે પણ હકારાત્મક અભિગમ દાખવ્યો. સરહદ ડેરીએ દૂધ લેવાની તૈયારી દર્શાવી. આ દરમિયાન અમને જાણવા મળ્યુ કે, ફ્ડ ઊંટડીના દૂધને ખાદ્ય-પદાર્થ તરીકે ફૂટ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSI)ની માન્યતા નથી. આ પ્રક્રિયા હાથ ધરી. બે વર્ષના અંતે તેમા સફળતા મળી અને 2016માં દેશમાં ઊંટડીના દૂધ માટે ધારાધોરણ (સ્ટાન્ડર્ડાઇઝડ) નક્કી થયાં.” ‘સહજીવન’ સંસ્થાનાં પ્રોગ્રામ ડિરેક્ટર રમેશ ભટ્ટીએ આખી વાત કરી. ‘સહજીવન’ સંસ્થા પશુપાલકો અને પર્યાવરણ માટે કામ કરે છે. એક અંદાજ પ્રમાણે, ખારાઇ પ્રજાતિના ઊંટોની સંખ્યા હાલ 2500 જેટલી હશે. આ ઊંટો દરિયાના પાણીમાં તરીને ચેરીયાના પાન ખાય છે.માલધારી યુવાનો પરંપરાગત વ્યવસાયમાં પાછા ફર્યા, ઊંટડીના ભાવ વધ્યા

રમેશ ભટ્ટીએ એમ પણ જણાવ્યુ કે, આ પ્રક્રિયા દરમિયાન એ પણ ધ્યાનમાં આવ્યુ કે, કચ્છમાં બે પ્રજાતિનાં ઊંટ છે. એક કચ્છી અને બીજા ખારાઇ ઊંટ. ખારાઇ ઊંટની અલગ પ્રજાતિ તરીકે નોંધણી થઇ નહોંતી. આથી, આ ઊંટીની અલગ પ્રજાતિ તરીકે નોંધણી પણ થઇ. ઊંટડીના દૂધના ભાવ મળવા લાગતા હવે માલધારીઓ ઊંટડીઓ વેચવાની ફરજ નહી પડે. અમારા ધ્યાનમાં આવ્યુ કે, એવા પણ માલધારી યુવાનો છે જેમણે તેમનો પરંપરાગત વ્યવસાય છોડી દીધો હતો પણ હવે ફરીથી ઊંટડી ખરીદી પરંપરાગત વ્યવસાયમાં પાછા ફર્યા છે.”

કચ્છમાં 60 ઊંટ રાખતા કમાભાઇ માલધારીએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં ઊંટોના ભાવમાં વધારો થયો છે. કેમ કે, ઊંટડીના દૂધની ડિમાન્ડ વધવા લાગી છે. ચાર વર્ષ પહેલા જે ઊંટડીના ભાવ 20,000 રૂપિયા હતા તેના હાલ 35,000 રૂપિયા થઇ ગયા છે.”કચ્છમાં ઊંટડીઓ માટે વિશેષ હોસ્ટેલ બનશે, કેટલ ફિડ બનાવાશે

ઊંટ રાખતા માલધારીઓ સતત પરિભ્રમણ કરતા રહે છે. જો ઊંટડીનું દૂધ કલેકેશન વધારવુ હોય તો તેમનું સ્થાયીકરણ કરવું પડે. આથી, સરહદ ડેરી ઊંટડીઓ માટે વિશેષ હોસ્ટેલ બનાવવાની વિચારણા કરે છે. જ્યાં માલધારીઓ તેમના ઊંટો રાખે. તેની સારસંભાળ કરે અને નજીકના સેન્ટરમાં દૂધ ભરે. સરહદ ડેરીના ચેરમને વલમજીભાઇ હુંબલે જણાવ્યુ કે, આગામી દિવસોમાં ઊંટો માટે વિશેષ કેટલ ફિડ પણ બનાવવામાં આવશે.”
First published: July 26, 2018, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading