કચ્છ: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નારાણપર ગામમાં વાડી વિસ્તારમાંથી જુદી જુદી છ બ્રાન્ડની અંગ્રેજી શરાબ જપ્ત કરાઈ હતી. નદી પાસે આવેલી વાડીમાંથી પોલીસે રૂ. 12.73 લાખનો દારૂ ઝડપી પાડયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા ચાર દિવસથી દારૂબંધીને લઈને હરકતમાં આવી છે. ગત અઠવાડિયે શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસમાં પશ્ચિમ કચ્છની એલસીબીએ કુલ ચાર જગ્યાએ રેડ પાડી કુલ રૂ. 26,065નો દેશી તથા વિદેશી દારૂ ઝડપી પાડયો હતો.
સોમવારે ફરી પશ્ચિમ કચ્છ પોલીસ એલસીબી દ્વારા અબડાસા તાલુકામાં કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નારાણપર ગામેથી વિવિધ છ બ્રાન્ડનો અંગ્રેજી શરાબ પકડી પાડયો હતો જેની કુલ કિંમત રૂ. 12,73,960 છે. સોમવારે પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ પ્રોહિબિશનના કેસ શોધવા કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં હતી ત્યારે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ગોહિલ દ્વારા અપાયેલ માહિતી મુજબ વિંજાણ નારાણપર રોડ ઉપર નદીના કાંઠે આવેલી વાડીની ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલ હતો.
માહિતી મુજબ વાડી પર રેડ પાડતા વાડીની ઓરડીમાંથી બારે નીકળેલો પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ કરતા પોલીસે તેને પકડી પાડયો હતો. 42 વર્ષીય દેવેન્દ્રસિંહ ગજુભા જાડેજાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે માંડવી તાલુકાના કોટાયા ગામના હરી હરજી ગઢવી દ્વારા ગત રાત્રિએ દારૂ તેની વાડી પર સંતાડવામાં આવ્યો હતો. આ મુદ્દે પોલીસે દેવેન્દ્રસિંહ અને હરિભાઈ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમો તળે ગુનો નોંધ્યો હતો.