ગુજરાત રાજ્યમાં યોગની પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જન-જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની (Gujarat Yoga Board) રચના કરવામાં આવી છે. જે બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જે અન્વયે ગત તા.23મી નવેમ્બર ના રોજ જૂનાગઢમાં યોગ સ્નેહ મિલન 'યોગ સંવાદ' નું (Yoga Samvad 2021)આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગત તા.23 નવેમ્બર, 2021ના રોજ શામળદાસ ગાંધી ટાઉન હોલમાં યોગ સ્નેહ મિલન 'યોગ સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન-યોગસેવક શિશપાલજીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તેઓએ કાર્યક્રમની શરૂઆતમાં સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે જૂનાગઢ જિલ્લા યોગ કોચ પ્રતાપ થાનકીએ જણાવ્યું કે, વધુમાં વધુ લોકો યોગ સાથે જોડાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના અધ્યક્ષ સ્થાને યોગ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો. આગામી 17-18-19 ડિસેમ્બરના રોજ યોગ મહારેલીનું આયોજન જૂનાગઢ ખાતે થવાનું છે. જેમાં 10 હજાર લોકો સાથે મળીને યોગ કરશે. જે અનુસંધાને લોકોને પ્રેરણા આપવા તેમજ યોગથી સંપૂર્ણ રીતે નિરોગી કેમ રહી શકાય તે અંગે માર્ગદર્શન આપી રહ્યાં છે.
જૂનાગઢ ખાતે યોજાયેલ યોગ સ્નેહમિલન 'યોગ સંવાદ' કાર્યક્રમમાં યોગ ટ્રેનરો અને યોગ શિક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. આ ઉપરાંત અનેક મહાનુભાવો, સ્વયંસેવકો, સમીક્ષકો, યોગ પ્રેમીઓનો અભૂતપૂર્વ સંયોગ 'યોગ સંવાદ' કાર્યક્રમમાં થયો હતો.